તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પોરબંદરની નવયુગ વિદ્યાલયમાં ભણીને હજારો વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર સમાજ અને દેશનું નામ રોશન કર્યુ
અર્જુનભાઇ મોઢવાડિયાએ પ્રવચનમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેના સંસ્મરણો વાગોળ્યાં : દાતાઓનું સન્માન

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર.તા.૨૪; વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને નવયુગ વિદ્યાલય ખાતે વિજ્ઞાન ભવનના નવીનીકરણના દાતાશ્રીઓ તથા વિજ્ઞાનભવનના મુખ્ય દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નવયુગ એજ્યુકેશન સોસાયટીના ભવ્ય ઇતિહાસ અને તેના સ્થાપકોના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આઝાદી અને ભાગલાના કપરા સમયમાં કરાચી છોડીને આવેલા કેળવણીકારો અને દાતાઓના સહયોગથી પોરબંદરમાં શિક્ષણની આ સંસ્થાઓનો પાયો નંખાયો હતો, જેમાંથી ભણીને હજારો વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કર્યું છે. મંત્રીશ્રીએ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેના પોતાના સંસ્મરણો વાગોળતા તત્કાલીન શિક્ષકોની નિષ્ઠા, રમતગમત પ્રત્યેના પ્રોત્સાહન અને શિસ્તબદ્ધ વાતાવરણની સરાહના કરી હતી.
મંત્રીશ્રી અર્જુનભાઇએ વિદેશ કે બહારગામ વસતા પોરબંદરના દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ પોતાની માતળસંસ્થા પ્રત્યે અપાર પ્રેમ અને ઋણ અદા કરવાની ભાવના ધરાવે છે, જેના થકી સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. હાલના સમયમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓની ગુણવત્તા પર ભાર મૂકતા મંત્રીશ્ર ી અર્જુનભાઇએ જણાવ્યું હતું કે દેશની સર્વોચ્ચ પરીક્ષાઓ જેવી કે આઇપીએસ અને આઇએએસ પાસ કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં જ ભણેલા હોય છે, તેથી ખાનગી શાળાઓની દોટ મૂકવાને બદલે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ. વર્તમાન યુગમાં ટેકનોલોજીના ઝડપી બદલાવનો ઉલ્લેખ કરતા અર્જુનભાઈ મોઢવાડિયાએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સતત અપડેટ રહેવા આહ્વાન કર્યું હતું.
આ સમારોહમાંવિજ્ઞાનભવનના મુખ્ય દાતા શરદભાઈ રૂપારેલે સંસ્થા સાથે જોડાયેલી ભૂતકાળના સ્મરણ યાદ કર્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે સંસ્થાને યોગદાન આપી શકયા તે પોતાના માટે ગૌરવની બાબત હોવાનું જણાવ્યું હતું.નવયુગ વિદ્યાલય-પોરબંદરના આચાર્ય શ્રી તુષારભાઈ પુરોહિતે વિદ્યાલયના વિકાસકાર્યોમાં સતત યોગદાન અને હકારાત્મક અભિગમ બદલ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ અને એલુમની એસોસિએશનના હોદ્દેદારો - સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આકાર્યક્રમમાં નવયુગ વિદ્યાલય પોરબંદરના સ્થાપનકાળથી આજ સુધીની વિકાસયાત્રને આવરી લેતી ‘‘શિરીષ'' નામની બુકલેટ વિતરિત કરવામાં આવી હતી.નવયુગ એલુમની એસોસિએશન ફેઝ ૨ ન પ્રમુખ ઋષાબેન પરીખ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું આ સમારોહમાં જિલ્લા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, નવયુગ એડ્યુકેશન સોસાયટી પોરબંદરના પ્રમુખ લક્ષ્મણભાઈ ઓડેદરા, અગ્રણીસર્વશ્રી સામતભાઈ ઓડેદરા, ડો. સુરેશ ગાંધી, મુખ્ય દાતાશ્રી શરદભાઈ રૂપારેલ સહિત એસોસિએશન ફેઝ ૨ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
