<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ગોંડલમાં પોલીસ ટીમને ધમકી આપી જાતે બ્‍લેડથી કાપા માર્યા, બે સામે ગુનો

એમ.સી.આર. ચેક કરવાની ફરજ સમયે રોહિત ઉર્ફે રતીયો તેના ભાઇ રાહુલ મકવાણાની ધમાલઃ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ

રાજકોટ, તા. ૩: ગોંડલ શહેરમાં સરકારી હોસ્‍પિટલની સામે નદીના ખાડાના ઢાળ પાસે એમ.સી.આર. ચેક કરવાની કામગીરી માટે ગયેલા હેડ કોન્‍સ્‍ટેબલ સહિતના પોલીસ સ્‍ટાફને બે શખ્‍સોએ ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ ધમાલ મચાવી બ્‍લેડ વડે પોતાને ઇજા કરી ધમકી આપવાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. આ મામલે ગોંડલસીટી એએસઆઇ જે.કે. પુરોહિતે જમાદાર યુવરાજસિંહ ગોહીલની ફરીયાદ પરથી રોહિત ઉર્ફે રતીયો અશોકભાઇ મકવાણાને અને તેના ભાઇ રાહુલ (રહે. બન્ને નદીના ખાડામાં ગોંડલ) ની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્‍યા મુજબ જમાદાર યુવરાજસિંહ ગોહીલ સહિતનો સ્‍ટાફ ગોંડલ સરકારી હોસ્‍પિટલની સામે નદીના ખાડાના ઢાળ પાસે એમસીઆર ચેક કરવાની ફરજ પર હતા ત્‍યારે આરોપી રોહિત ઉર્ફે રતીયા અને તેના ભાઇ રાહુલે તેમને ગાળો આપવાનુ શરૂ કરી ધમાલ મચાવી હતી. તેને પકડવા જતાં બચવા માટે બન્ને આરોપી બ્‍લેડ વડે પોતાના શરીરે ઇજા કરવા લાગ્‍યા હતા. જેમાં રોહિત ઉર્ફે રતીયાએ ગળામાં ઇજા કરી પોલીસ સ્‍ટાફ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવીશ કહી ધમકી આપી હતી. જયારે રાહુલે પોતાના હાથમાં બ્‍લેડ વડે છરકા કરી ફરજમાં રૂકાવટ કરી હતી.

ગોંડલ સીટી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:19 AM IST)