<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ટેન્કરો રોકી ધમકી આપવાના ગુનામાં ત્રણ આરોપીઓ ઝડપાયા; ત્રણેયને જેલ હવાલે કરાયા

પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજુ કર્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો

જામનગર: જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ગેસના ટેન્કરો રોકી ડ્રાઇવરો અને ખલાસીઓને ધમકાવી રૂપિયા પડાવવાના ગંભીર ગુનામાં મેઘપર (પડાણા) પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકરણમાં ભારત પેટ્રોલિયમ કંપનીના ચીફ મેનેજર કે. સંધિલકુમાર કૃષ્ણમૂર્તિની ફરિયાદના આધારે ચાંપા બેરાજાના કિશોરસિંહ ગગુભા જાડેજા, મોટી ખાવડીના જુવાનસિંહ મહોબતસિંહ જાડેજા તથા ભાતેલ ગામના મહેન્દ્રસિંહ જીતુભા જાડેજા સામે ગુનો નોંધાયો હતો.
ફરિયાદ મુજબ ત્રણેય શખ્સોએ મોટી ખાવડી વિસ્તારમાં એલ.પી.જી. ટેન્કરો રોકી ડ્રાઇવરો અને ખલાસીઓને ધમકાવ્યા હતા તેમજ ગેરકાયદેસર અવરોધ ઉભો કરી ટેન્કરો સળગાવી દેવાની ધમકી આપી હતી. એક ડ્રાઇવર પાસેથી રોકડ રૂપિયા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જે ગુનો નોંધાયા બાદ મેઘપર (પડાણા) પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજુ કર્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:31 PM IST)