<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ગોંડલ પાસે ટ્રકે પાછળથી ટક્કર મારતા ત્રણ કાર વચ્‍ચે અકસ્‍માતઃ એક કાર ટોટલ લોસ

સીરીયલ અકસ્‍માતના પગલે થોડો સમય હાઇવે ઉપર અફડાતફડી મચી ગઇઃ ટ્રક ચાલક સામે ગુન્‍હો નોંધાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ર૦: ગોંડલ તાલુકાના જામવાડી ગામ નજીક કનૈયા હોટલ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. ટ્રકની ભયાનક ટક્કરને કારણે તેની આગળ જતી ત્રણેય મોંઘીદાટ કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્‍માતમાં એક કારનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો અને તે ટોટલ લોસ થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરના અમરનગર રોડ પર રહેતા અને વ્‍યવસાયે શિક્ષક અતુલભાઇ ભીખાભાઇ વાનાણી (ઉ.વ. ૩૯) પોતાની હુન્‍ડાઈ કંપનીની આઈ-૧૦ કાર (નંબરઃ GJ-03-HR-4197) લઈને કોઈ કામસર ગોંડલ જવા નીકળ્‍યા હતા. બપોરે આશરે બે વાગ્‍યાની આસપાસ તેઓ જામવાડી ગામથી ગોંડલ તરફ જતા રોડ પર આવેલી કનૈયા હોટલ નજીક પહોંચ્‍યા ત્‍યારે પાછળથી કાળ બનીને આવેલા એક અશોક લેલેન ટ્રકે તેમની કારને અડફેટે લીધી હતી.

ટ્રકની સ્‍પીડ એટલી વધારે હતી કે તેની ટક્કર વાગતાં જ અતુલભાઈની આઈ-૧૦ કાર આગળ જતી હુન્‍ડાઈ કંપનીની જ આઈ-૨૦ કાર (નંબરઃ GJ-05-CP-7987) સાથે ભટકાઈ હતી. જ્‍યારે આ આઈ-૨૦ કાર તેની આગળ ચાલી રહેલી ટોયોટા કંપનીની ફોર્ચ્‍યુનર કાર (નંબરઃ GJ-૦૧-RA-૨૬૭૨) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આમ, હાઈવે પર એક સાથે ત્રણ-ત્રણ કાર વચ્‍ચે સીરીયલ અકસ્‍માત સર્જાતાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્‍માત બાદ તમામ ચાલકો ગાડીમાંથી નીચે ઉતરી આવ્‍યા હતા. તપાસ કરતાં અશોક લેલેન ટ્રક (નંબરઃ RJ-27-GD-7670) નો ચાલક સંપતસિંહ લક્ષમણસિંહ રાવત (રહે. મિયાળા વૈરાગીયા ગામ, તા. દેવગઢ, જી. રાજસમંદ, રાજસ્‍થાન) હોવાનું ખુલ્‍યું હતું. ટ્રક ચાલકે ગફલતભરી રીતે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ફુલ સ્‍પીડે ટ્રક ચલાવી આ અકસ્‍માત સર્જ્‍યો હતો.

આ અંગે કાર ચાલક શિક્ષક અતુલભાઈ વાનાણીએ ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્‍યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧ તેમજ મોટર વાહન અધિનિયમ (MV Act) ની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ પ્રદિપસિંહ જાડેજાએ હાથ ધરી છે. 

(1:41 PM IST)