<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવાર આયોજિત ત્રિદિવસીય ત્રિમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવ કાલથી પ્રારંભ

કુળદેવી શ્રી ખોડિયાર માતાજી, ચામુંડા માતાજી અને વાછરાજ દાદાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, રાત્રે ભવ્‍ય સંતવાણી, ચારણ આઈમાઓ-સંતોની વિશેષ ઉપસ્‍થિતિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૦: રાજુલા તાલુકાના કોવાયા ગામે લાખણોત્રા પરિવાર દ્વારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજી, ચામુંડા માતાજી તથા વાછરાજ દાદાની ભવ્‍ય ત્રિમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્‍સવ તા. ૧ મેથી ૩ મે, રવિવાર સુધી યોજાશે.

યજ્ઞ, પ્રાણ પ્રતિષ્‍ઠા અને નગરયાત્રા સાથે ભકિતસભર કાર્યક્રમો

મહોત્‍સવના આચાર્યશ્રી મુકેશભાઈ હરિશંકરભાઈ દેવકાના માર્ગદર્શન હેઠળ હેમાદ્રી શ્રવણ, ગણેશ પૂજન, નગરયાત્રા, મહાઆરતી સહિતના ધાર્મિક વિધિ-વિધાન યોજાશે. તા. ૩ મેના રોજ સાંજે ભવ્‍ય રાસ ઉત્‍સવનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. ત્રણેય દિવસ પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહેશે.

ચારણ આઈમાઓનું દિવ્‍ય આગમન અને સામૈયાં

તા. ૩ મે, રવિવારના રોજ મહોત્‍સવમાં ચારણ આઈમાઓનું પાવન આગમન થશે. આઈ શ્રી દેવલમાં, આઈ શ્રી લક્ષ્મીમાં, આઈ શ્રી સોનલમાં, આઈ શ્રી માલીમાં, આઈ શ્રી અનુમાં, આઈ શ્રી કુવરમાં, આઈ શ્રી ધારબાઈમાં, આઈ શ્રી લાખીમાં સહિત ખ્‍યાતનામ ચારણ આઈમાઓ સામૈયા અને શોભાયાત્રામાં વિશેષ ઉપસ્‍થિત રહેશે.

સંતો-મહંતોના આશીર્વાદ અને સંતવાણીની જમાવટ

આ પાવન અવસરે મહંત શ્રી રાજેન્‍દ્ર બાપુ, ઝીણારામ બાપુ, ધનસુનાથ બાપુ, બીજલ ભગત બાપુ તથા પરમ પૂજ્‍ય ગુરુમૈયા ઉર્જાનંદજી ખાસ આશીર્વાદ આપવા ઉપસ્‍થિત રહેશે. માતાજીના ભુવા સાજણભાઈ લાખણોત્રા, ગોવિંદભાઈ લાખણોત્રા તથા કુળગોર ભીખુદાદા પણ ઉપસ્‍થિત રહેશે.

તા. ૩ મે, રવિવારની રાત્રે ભવ્‍ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં શૈલેષ મહારાજ, શ્રી પરસોતમ પુરી બાપુ તથા શ્રી ભોળાભાઈ આહીર સંતવાણીની રમઝટ બોલાવશે.

૧૫૧ દાતાઓનો સહયોગ, ગ્રામજનોનું ભાવભર્યું આમંત્રણ

આ ભવ્‍ય આયોજનમાં મુખ્‍ય દાતા સહિત કુલ ૧૫૧ જેટલા દાતાઓએ ઉદાર હાથે સહયોગ આપ્‍યો છે. સમસ્‍ત કોવાયા ગામજનો દ્વારા આ ધાર્મિક મહોત્‍સવમાં પધારવા ભાવિક ભક્‍તો, સગા-સંબંધીઓ અને જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

(10:52 AM IST)