તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ધોરાજી-જામકંડોરણા વચ્ચે ટેમ્પો પલ્ટી ખાતા ત્રણને ઇજા: એકની હાલત ગંભીર : જૂનાગઢ સારવારમાં
લોધીકાના નગરપીપળીયાથી મગફળીના બિયારણની ખરીદી કરી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત, ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી મારી ગયો

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૧૬ : ધોરાજી-જામકંડોરણા હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે એક ટેમ્પો પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ લોધીકા તાલુકાના નગરપીપળીયા ગામના કેટલાક ખેડૂતો મગફળીના બિયારણની ખરીદી કરવા માટે ટેમ્પો લઇને જૂનાગઢ ગયા હતા. શુક્રવારે રાત્રિના સમયે ખરીદી પતાવીને પરત પોતાના ગામે જઇ રહ્યા હતા ત્યારે ધોરાજી અને જામકંડોરણા વચ્ચે, ધોરાજીની હદમાં પ્રવેશતા જ ટેમ્પોમાં અચાનક કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી.
ખામીના કારણે ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પર પલ્ટી મારી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક ઇજાગ્રસ્તની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
