<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

સગીરાઓને લલચાવી ધર્મ પરિવર્તન કરાવવાના અને પોક્‍સો સહિતના ગંભીર ગુનાઓમાં વધુ ત્રણ શખ્‍સોની સંડોવણી સામે આવી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા. ૩: કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્‍તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ગંભીર ગુનાની તપાસ માટે પોલીસ અધિક્ષક દ્વારા સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. SIT દ્વારા હાથ ધરાયેલી વધુ તપાસમાં અન્‍ય ત્રણ આરોપીઓની સંડોવણી સામે આવતાં તેમને પણ પોલીસ કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા છે.

આ સમગ્ર પ્રકરણમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા તેમજ ગીર સોમનાથ પોલીસની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં તા. ૨૪/૧૦/૨૦૨૬ના રોજ એક સગીરાની માતાએ પોતાની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તથા મોબાઇલ ટાવર લોકેશનની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અન્‍ય એક સગીર વયની દીકરી પણ ગુમ થયેલી હોવાનું સામે આવ્‍યું હતું. બંને સગીરાઓને ઊંઝા તાલુકાના ઉનાવા (જી. મહેસાણા) ખાતે દરગાહમાં હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી સ્‍થાનિક પોલીસની મદદથી બંને સગીરાઓને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી.

પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરાઓને લલચાવી, ધર્મ પરિવર્તન કરાવવા માટેની પ્રવળત્તિઓ કરવામાં આવી હોવાની તેમજ તેમની સાથે ગંભીર ગુનાઓ આચરવામાં આવ્‍યા હોવાની વિગતો સામે આવી હતી. આરોપીઓ દ્વારા સગીરાઓને હિન્‍દુ ધર્મનો ત્‍યાગ કરી મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ ફરિયાદમાં કરવામાં આવ્‍યા છે.

આ મામલે ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો, ગુજરાત ધર્મ સ્‍વાતંત્ર્ય અધિનિયમ-૨૦૨૧ તથા જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ (POCSO) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક દ્વારા SITની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા આગોતરી તપાસ અને પુરાવાઓના આધારે વધુ ત્રણ આરોપીઓનાં નામ જેમાં (૧) તાલીબ હુસેન (૨) હુસેન શેખ તથા (૩) નાઝીમ અલી સૈયદ ના નામો સામે આવતાં તેમને પોલીસ કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્ક અને ગુનામાં અન્‍ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુમાં, ભોગ બનનાર સગીરાઓ સાથે દુષ્‍કર્મ આચરવામાં આવ્‍યું હોવાની શકયતાને ધ્‍યાનમાં રાખીને મેડિકલ તપાસ સહિતની જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે.

આ પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસની સતત તપાસ અને SITની રચનાને પગલે ધર્માંતરણ તથા સગીરાઓ સામેના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અન્‍ય લોકો સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસનો વ્‍યાપ વધારવામાં આવ્‍યો છે.

(10:58 AM IST)