<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

મોરબી મનપાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે.

માત્ર 8 દિવસના ચૂંટણી પ્રચારમાં વધુમાં વધુ મતદારો સુધી પહોચવા માટે તમામ ઉમેદવારોએ પોતાના વોર્ડને ખૂંદવાનું શરૂ કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષના ઉમેદવારો અને ભાજપથી નારાજ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી 4 ફોર્મ પાછા ખેંચવામાં આવેલ છે જેથી જો કે, 13 પૈકીનાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ છે જેમાં વોર્ડ નંબર 3, 6 અને 13 નો સમાવેશ થયા છે. અને જો અન્ય વોર્ડની વાત કરીએ તો મહાપાલિકાના કુલ વોર્ડમાંથી 1 વોર્ડમાં 11, 2 વોર્ડમાં 15, 4 વોર્ડમાં 13 અને 3 વોર્ડમાં 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેથી માત્ર 8 દિવસના ચૂંટણી પ્રચારમાં વધુમાં વધુ મતદારો સુધી પહોચવા માટે તમામ ઉમેદવારોએ પોતાના વોર્ડને ખૂંદવાનું શરૂ કરી દીધું છે.

વધુમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે દરેક બેલેટ યુનિટની અંદર 14 ઉમેદવાર હોય તો તેના નામ, 15 મું નોટાનું બટન તથા 16 મુ રજીસ્ટ્રેશનનું બટન આમ કુલ 16 બટન આપવામાં આવતા હોય છે જોકે આ વખતે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા પાંચ વોર્ડ એવા છે કે જેમાં 15 થી 16 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેથી આ વોર્ડની અંદર દરેક બૂથમાં એક કંટ્રોલ યુનિટ અને બે-બે બેલેટ યુનિટ મૂકવામાં આવશે અને પહેલા બેલેટ યુનિટના 14 ઉમેદવારો સુધીના નામ હશે જ્યારે 15 અને 16 માં ઉમેદવારના નામ જે તે વોર્ડમાં મુકાયેલ બીજા બેલેટ યુનિટમાં હશે. આ ઉપરાંત પહેલા યુનિટની અંદર નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન બંધ કરવામાં આવશે અને બીજા યુનિટની અંદર જે નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન હશે તેને કાર્યરત રાખવામાં આવશે આમ જે વોર્ડમાં 15 કે 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યાં મતદાન કરવા માટે જતા મતદારોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તે લોકોએ બે નંબરના બેલેટ યુનિટીની અંદર જે રજીસ્ટ્રેશન બટન આપ્યું હશે તેને દબાવ્યા પછી જ તેઓના મત રજીસ્ટર થશે.

(1:10 AM IST)