તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નહાવા પડેલા ઉત્તર પ્રદેશના ત્રણ શ્રમિક યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત : રજાની મોજ માતમમાં ફેરવાઈ
બહરાઈચ જિલ્લાના સાત મિત્રોની ટોળકીમાંથી ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થયા, ચારનો બચાવ : ફાયર વિભાગે ઓક્સિજન સિલિન્ડરની મદદથી કલાકોની શોધખોળ બાદ મૃતદેહો બહાર કાઢ્યા

જૂનાગઢ:ગિરનારની ગોદમાં આવેલા વિલિંગ્ડન ડેમની કુદરતી સુંદરતા આજે ત્રણ શ્રમિક પરિવારો માટે કાળ સાબિત થઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે રવિવારની રજામાં મોજ-મસ્તી કરવા નીકળેલા ઉત્તર પ્રદેશના સાત મિત્રોમાંથી ત્રણ યુવાનો ડેમની કુંડીમાં નહાતા સમયે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હસતા-રમતા મિત્રોને પોતાની નજર સામે જ મોતની ગર્તામાં ધકેલાતા જોઈ બાકીના ચાર મિત્રો સ્તબ્ધ થઈ ગયા હતા. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
નજર સામે જ ત્રણ મિત્રો કાળનો કોળિયો બન્યા:
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના બૈરાગી ગામના વતની અને હાલ જૂનાગઢમાં રહી મજૂરીકામ કરતા સાત યુવાનો રવિવારની રજા માણવા સાંજે 5:00 વાગ્યે વિલિંગ્ડન ડેમ પહોંચ્યા હતા. ગરમીથી રાહત મેળવવા આ મિત્રો ડેમની કુંડીમાં નહાવા ઉતર્યા હતા. મોજ-મસ્તી ચાલતી હતી તે દરમિયાન અચાનક ત્રણ મિત્રો પાણીના પ્રવાહમાં ખેંચાઈને ઊંડાણમાં ગરકાવ થવા લાગ્યા હતા. સાથે રહેલા ગુલામહુસેન સહિતના ચાર મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ અન્ય ત્રણને ડૂબતા જોઈ તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી.
ફાયર વિભાગનું ઓક્સિજન સિલિન્ડર સાથે રેસ્ક્યુ:
ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ઓક્સિજન સિલિન્ડર અને અત્યાધુનિક સાધનો સાથે પાણીમાં ઊંડી શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય બે યુવાનોની શોધખોળ માટે ઓપરેશન તેજ કરવામાં આવ્યું હતું. કલાકોની જહેમત બાદ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પરિવારમાં શોકનું મોજું:
દુર્ઘટનાનો ભોગ બનેલા અને બચેલા યુવાનોમાં હસનૈન, શિવમ, કલામ, મનોજ, અહેમદ હુસૈન અને અમિતનો સમાવેશ થાય છે. બચેલા મિત્ર ગુલામહુસેને રડતી આંખે આ કરુણ વિગત જણાવી હતી. આ તમામ યુવાનો વતનથી દૂર જૂનાગઢમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વતનમાં રહેતા તેમના પરિવારજનોને આ માઠા સમાચાર મળતા જ માતમ છવાઈ ગયો છે. સ્થાનિક તંત્ર દ્વારા પ્રવાસીઓને ડેમના જોખમી વિસ્તારોમાં નહાવા ન ઉતરવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
