News of Saturday, 9th May 2026
જામનગર ‘છોટી કાશી’માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણ પૂર્વે લોખંડી સુરક્ષા : આઈજીપી નિર્લિપ્ત રાય અને ૧૨ આઈપીએસ અધિકારીઓના નેતૃત્વમાં જામનગર કિલ્લેબંધીમાં ફેરવાયું
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાંસદ પૂનમબેન માડમે લાલબંગલા સર્કલ સહિતના રૂટનું નિરીક્ષણ કર્યું : ૧૩૪૦ સુરક્ષાકર્મીઓ તૈનાત : ૧૩ ડીવાયએસપી અને કલેક્ટર પી. બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગ્રાન્ડ રિહર્સલ સાથે સુરક્ષા વ્યવસ્થાનો આખરી ઓપ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૧૦ મેના રોજ જામનગરના આંગણે પધારવાના હોઈ અને રાત્રિ રોકાણ કરવાના હોવાથી ‘છોટી કાશી’ ગણાતા જામનગર શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનના પ્રવાસને અનુલક્ષીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને જામનગરના સાંસદ પૂનમબેન માડમે એરપોર્ટથી લઈને લાલબંગલા સર્કલ સુધીના રૂટનું જીણવટભર્યું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાયના સીધા સુપરવિઝન હેઠળ સમગ્ર શહેરને સુરક્ષાના કવચમાં આવરી લેવામાં આવ્યું છે.
IPS અને DySP સ્તરના અધિકારીઓનો મોટો કાફલો મેદાનમાં
વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે કુલ ૧૨ આઈપીએસ (IPS) અધિકારીઓ અને ૧૩ ડીવાયએસપી (DySP) કક્ષાના અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ૧૩૪૦થી વધુ પોલીસ કર્મચારીઓ, મહિલા પોલીસ અને હોમગાર્ડ જવાનોને શહેરના ખૂણેખૂણે તૈનાત કરાયા છે. જામનગર જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની દ્વારા રૂટ વ્યવસ્થા, પ્રવેશ નિયંત્રણ અને સુરક્ષા ચકાસણી માટે સતત સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. લાલબંગલા સર્કલ ખાતે યોજાનારા ભવ્ય અભિવાદન સમારોહ માટે પણ વિશેષ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
ગ્રાન્ડ રિહર્સલ અને સુરક્ષા એજન્સીઓનું સઘન ચેકિંગ
વડાપ્રધાનના આગમન પૂર્વે આજે સુરક્ષા એજન્સીઓ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ યોજવામાં આવ્યું હતું, જેમાં એરપોર્ટથી રોકાણના સ્થળ સુધીના રૂટ પર વાહનોના કાફલાનું પરીક્ષણ કરાયું હતું. ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને એમ્બ્યુલન્સ સહિતની ઈમરજન્સી સેવાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રૂટ પરના દબાણો હટાવીને સાફ-સફાઈ અને રોશનીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના પદાધિકારીઓ પણ તૈયારીઓને આખરી ઓપ આપવા વહીવટી તંત્ર સાથે ખડેપગે રહ્યા છે.
નાગરિકો માટે સૂચના અને સતર્કતા
પોલીસ તંત્ર દ્વારા શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનું પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પણ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. તંત્ર દ્વારા જામનગરની જનતાને આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન સહકાર આપવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આવતીકાલે રાત્રે ૧૦ વાગ્યે વડાપ્રધાનનું આગમન થવાનું હોવાથી સમગ્ર શહેર અત્યારથી જ ઉત્સાહ અને કડક સુરક્ષાના માહોલમાં જોવા મળી રહ્યું છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
