News of Sunday, 26th July 2026
આજે કારગીલ વિજય દિવસ : શૌર્ય, શહાદત અને અડગ રાષ્ટ્રભક્તિને શત-શત નમન : ભારતીય સેનાએ અદમ્ય શૌર્ય,પરાક્રમ,અવિશ્વસનીય સાહસનું પ્રદર્શન કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને કારગીલની વ્યૂહાત્મક શિખરો પરથી હાંકી કાઢ્યા'તા
"યા તો હું તિરંગો લહેરાવીને પાછો આવીશ, અથવા તિરંગામાં લપેટાઈને આવીશ, પણ હું પાછો જરૂર આવીશ" : કેપ્ટન વિક્રમ બત્રાને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમના શબ્દો આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે

(માહિતી બ્યુરો)બોટાદ તા.૨૬ : . વર્ષ ૧૯૯૯માં કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ અદમ્ય શૌર્ય, પરાક્રમ અને અવિશ્વસનીય સાહસનું પ્રદર્શન કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને કારગીલની વ્યૂહાત્મક શિખરો પરથી હાંકી કાઢ્યા હતા. લગભગ બે મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજયને સફળતાપૂર્વક પૂર્ણ કરીને ૨૬ જુલાઈ ૧૯૯૯ના રોજ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ જ મહાન વિજયના સ્મરણાર્થે દર વર્ષે આ દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે.
કારગીલ યુદ્ધ જમ્મુ-કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રમાં આવેલા દ્રાસ, કારગીલ, બટાલિક અને ટોલોલિંગ જેવા દુર્ગમ તથા અત્યંત ઊંચાઈવાળા વિસ્તારોમાં લડાયું હતું. શૂન્યથી ઘણું નીચું તાપમાન, બરફથી ઢંકાયેલા પર્વતો અને અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ ભારતીય સૈનિકોએ અદમ્ય હિંમત અને મનોબળ સાથે લડત આપી હતી. આ યુદ્ધમાં ભારતીય સેનાના પાંચસો કરતાં વધુ જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું, જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છતાં દેશની સરહદોની સુરક્ષા માટે અડગ રહ્યા હતા. તેમના અમૂલ્ય બલિદાન અને અપાર શૌર્યને કારણે જ આજે સમગ્ર દેશ સુરક્ષિત અને ગૌરવભેર ઊભો છે.
કારગીલ યુદ્ધના અનેક શૂરવીરો આજે પણ દેશના યુવાનો માટે અમીટ પ્રેરણાસ્ત્રોત છે. કેપ્ટન વિક્રમ બત્રા, જેમને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમના શબ્દો આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે— "યા તો હું તિરંગો લહેરાવીને પાછો આવીશ, અથવા તિરંગામાં લપેટાઈને આવીશ, પણ હું પાછો જરૂર આવીશ."
આ શબ્દો માત્ર એક સૈનિકની પ્રતિજ્ઞા નથી, પરંતુ માતૃભૂમિ માટે સર્વસ્વ અર્પણ કરવાની અડગ ભાવનાનું જીવંત પ્રતીક છે. કારગીલના અન્ય અનેક વીર સપૂતોના શૌર્યે ભારતીય સેનાની વ્યાવસાયિકતા, શિસ્ત અને અદમ્ય દેશભક્તિનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો હતો.
કારગીલ વિજય દિવસ માત્ર ઐતિહાસિક વિજયની ઉજવણી નથી, પરંતુ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો પવિત્ર અવસર છે. આ દિવસ આપણને રાષ્ટ્રપ્રેમ, એકતા, કર્તવ્યનિષ્ઠા અને દેશની સુરક્ષા માટે સતત જાગૃત રહેવાનો મહત્ત્વનો સંદેશ આપે છે. દરેક ભારતીય માટે કારગીલના શહીદોનું બલિદાન સદૈવ પ્રેરણારૂપ રહેશે અને તેમની ગાથા આવનારી પેઢીઓને દેશસેવા માટે અવિરત પ્રેરિત કરતી રહેશે.
આ શહીદોના બલિદાનથી તિરંગો ગૌરવપૂર્વક લહેરાય છે; કારગીલના વીરોનું શૌર્ય ભારતના ઇતિહાસમાં સદાય અવિસ્મરણીય રહેશે.(-માહિતી સંકલન: રિધ્ધિ ત્રિવેદી)
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
