News of Friday, 10th July 2026
ધ્રોલમાં તલાટીઓની હડતાલથી ગ્રામીણ વ્યવસ્થા ઠપ્પઃ ચોમાસામાં ખેડૂતો મુશ્કેલીમાં
પંચાયત સંગઠને DDOને કરી લેખિત રજૂઆતઃ જોબ ચાર્ટના વિવાદનો સત્વરે ઉકેલ લાવવા માંગઃ સરકારી કચેરીઓના ધક્કાથી ખેડૂતો ત્રાહીમામ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૦: ધ્રોલ રાજ્યભરમાં તલાટી-કમ-મંત્રી અને રેવન્યુ તલાટીના જોબ ચાર્ટના મુદ્દે ચાલી રહેલી હડતાલના ઘેરા પ્રત્યાઘાતો હવે ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપકપણે જોવા મળી રહ્યા છે. તલાટીઓ સરકારી કામગીરીથી અળગા રહેતા ગ્રામ પંચાયતોનો વહીવટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેને કારણે ગ્રામ્ય જનતા અને ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ધ્રોલ તાલુકા અખિલ ભારતીય પંચાયત સંગઠન દ્વારા જામનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને એક લેખિત રજૂઆત પાઠવીને આ સળગતા પ્રશ્નનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.
સંગઠનના પ્રમુખ રામજી મુંગરા દ્વારા કરવામાં આવેલી આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં તલાટી-કમ-મંત્રીઓની કામગીરી અંગે ચોક્કસ જોબ ચાર્ટ નક્કી ન હોવાને કારણે હાલમાં જે હડતાલ ચાલી રહી છે, તેના લીધે ગ્રામ પંચાયતોમાં મહેસુલી કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ સમયગાળો ખેડૂતો માટે ખેતીવાડીના ધિરાણ તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટેનો મુખ્ય સમય છે. આવા કપરા સમયે જ બેંક ધિરાણ અને સબસિડી માટે જરૂરી એવા અલગ-અલગ દાખલાઓ તેમજ સરકારી કાગળો મેળવવામાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસાની સીઝન અને ખેતીના કામો વચ્ચે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંચાયત સંગઠને DDO સમક્ષ નમ્ર અરજી કરતા જણાવ્યું છે કે, જો તંત્ર અને સરકાર દ્વારા તલાટીઓની હડતાલ અંગે તાકીદે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામીણ અર્થતંત્રને મોટું નુકસાન થઈ શકે છે, જેથી જગતના તાતના હિતમાં આ ગતિરોધ વહેલી તકે દૂર કરવો અનિવાર્ય બન્યો છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
