News of Monday, 29th June 2026
કોટડા સાંગાણીના સડક પીપળીયામાં ટ્રક રીપેરીંગ વખતે માથામાં ટોમી લાગી જતાં યુવાનનું મૃત્યુ
ગોંડલના રીબ ગામના ૪૩ વર્ષિય પ્રહલાદસિંહ જાડેજાએ રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ ત્રણ દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૯: કોટડા સાંગાણીના સડક પીપળીયા ગામે આવેલી કંપનીમાં ટ્રકમાં રીપેરીંગ વખતે લોખંડની ટોમી ઉડીને કપાળે લાગી જતાં ઇજા થતાં ગોંડલના રીબ ગામના ૪૩ વર્ષિય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ બનાવથી ત્રણ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલના રીબ ગામે રહેતાં પ્રહલાદસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૪૩) ગયા મંગળવારે ૨૩મીએ સાંજે છએક વાગ્યે સડક પીપળીયા ગામે કેપ્ટન કંપની પાસે આઇસર ટ્રકમાં રીપેરીંગ કરી રહ્યા હતાં ત્યારે લોખંડની ટોમી છટકીને કપાળે લાગી જતાં ઇજા થઇ હતી. જેના કારણે માથામાં ટાંકા આવ્યા હતાં.
આ પછી બે દિવસ બાદ ૨૫મીએ અચાનક તબીયત બગડતાં ચક્કર આવવા માંડતાં પરિવારજનોએ તેમને સારવાર માટે રાજકવટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં અહિ તેમને દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન આજે વહેલી પરોઢે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને ઘટનાની જાણ કરી હતી. મૃત્યુ પામનાર પ્રહલાદસિંહ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
