તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
કાલે ભીમ અગિયારસઃ ‘આદ્રા’ નક્ષત્રના આગમનનો પ્રથમ વરસાદ નિર્જળા ઍકાદશી પર થાય તેવી ખેડૂતોની ખેવના
શરૂ થયેલ ચોમાસુ સત્ર વચ્ચે કહેવાય છે કે ‘અલનીનો' નો પ્રભાવ મેઘરાજાના માર્ગને અવરોઘી રહેલ છે ત્યારે Ñ ચોમાસુ સત્રના પ્રારંભ વચ્ચેજ વરસાદનો અભાવઃ ૧૫ જુન વીત્યાના એક સપ્તાહ બાદ ‘આદ્રા' પણ બેસી ગયો છતાં વરસાદના કોઈ વાવડ નથી!: આબોહવામાં ઉદ્ભવેલ વિપરીત સ્થિતી વચ્ચે હિન્દુ કેલેન્ડર (પંચાગ) ના દેશી હિસાબ મુજબ જયેષ્ઠ (જેઠ) સુદ અગિયારસ પર વાવણી લાયક વરસાદની લોકોને આશા

( સંજય દેવાણી દ્વારા )કેશોદ,તા.૨૪: ચોમાસુ સત્રના પ્રારંભ વચ્ચે જ વરસાદનો સર્વત્ર અભાવ જણાઇ રહે છે. આવતીકાલે તારીખ ૨૫ ને ગુરૂવારના રોજ ભીમ અગિયારસ નો પવિત્ર પર્વ છે ત્યારે વર્ષા ઋતુ ના પ્રારંભ માટે મહત્વનો મનાતો 'આદ્રા' નક્ષત્રના આગમનનો પ્રથમ વરસાદ પવિત્ર નિર્જળા એકાદશી થી થાય તેવી ખેવના ખેડૂતો સેવી રહે છે.
વરસાદના પ્રારંભ માટે મહત્વની ગણાતી તારીખ ૧૫ જૂન વીત્યાને એક સપ્તાહ જેવો સમય પસાર થઈ ગયો. સાથે આદ્રા નક્ષત્રનો પણ ગત તારીખ ૨૨ જૂનથી પ્રારંભ થયેલ છે. વરસાદ માટે અગત્યના મનાતા આપ પરિબળો સાથે આવતીકાલે ભીમ અગિયારસ નો સંયોગ પણ થશે.પરંતુ અમ છતાં હજુ સુધી આ વિસ્તારમાં વરસાદના કોઈ વાવડ નથી!
પ્રશાંત મહાસાગર ની દરિયાઈ સપાટી ના તાપમાન મા અસામાન્ય વધારો થતા દરિયાઈ પાણી ગરમ થાય છે પરિણામે ચોમાસાના પવનો નબળા પડે છે. જે વૈશ્વિક આબોહવાને અસર કરતા હોય . જેને ' અલનીનો ' તરીકે ઓળખવામાં આવે છે. પ્રવર્તમાન ચોમાસા સિઝનના પ્રારંભ વચ્ચે જ કહેવાય છે કે, અલનીનો નો પ્રભાવ મેઘરાજાના માર્ગ ને અવરોધી રહેલ છે. આ ઉદ્વવેલ વિપરીત સ્થિતિ વચ્ચે સ્વાભાવિક રીતે જ ચિતિત જણાતા સામાન્ય લોકોથી લઈ ધરતીપુત્રો સૌ કોઈ ભીમ અગિયારસ પર સારામાં સારા વરસાદની આશા રાખી બેઠા છે.
સામાન્ય રીતે ચોમાસુ સીઝન બેસતા જ આ વિસ્તારમાં અંગ્રેજી કેલેન્ડર મુજબ તારીખ ૧૫ થી ૨૦ જૂન વચ્ચે અથવા તો હિન્દુ પંચાંગ ના દેશી હિસાબ મુજબ જયેષ્ઠ (જેઠ) સુદ એકાદશી આસપાસ ના દિવસોમાં મેઘરાજા મંડાણ કરતા હોય છે.
જેઠ માસમાં અંજવાળીયા પક્ષ માં (પ્રથમ પખવાડિયામાં) આવતી એકાદશી ને નિર્જળા એકાદશી અથવા ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસને લોકો દ્વારા એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ભીમ અગિયારસ નું ખાસ કરીને ખેડૂતો માટે વિશેષ મહત્વ રહેલ છે. કારણકે ચોમાસુ સિઝનની શરૂઆતનો આ પ્રથમ તહેવાર આવે છે. જો ભીમ અગિયારસ ની આસપાસ વાવણી લાયક વરસાદ થઈ ગયો હોય તો ખેડૂતો ખાસ ભીમ અગિયારસ ના દિવસે વાવણી ના શુકન સાચવે છે. પરંપરા મુજબ આ દિવસે ખેડૂતો ધરતી માતા, બળદ ઉપરાંત હળ, ગાડુ, ટ્રેક્ટર, , દાતરડું સહિત ખેતી કામમાં ઉપયોગી ઓજારો નુ પૂજન કરી બાદમાં ખેતરમાં હળ હાંકી વાવણી કાર્યની શુભ શરૂઆત કરે છે.
સામાન્ય રીતે ભીમ અગિયારસ આસપાસ વાવણી લાયક વરસાદ થતો હોય છે. વાવણી બાદ ખેડૂતો દ્વારા એકાદશીના ૧૯ દિવસ પછી આવતા અષાઢી બીજ ના પવિત્ર પર્વ ની આસપાસના દિવસોમાં વરસાદની આશા સેવાતી હોય છે. અષાઢી બીજ ની આસપાસ ચોમાસુ સિઝન ના બીજા રાઉન્ડ નો વરસાદ પડતા ખેતરોમાં ઉભેલો પાક ખીલી ઊઠે છે. પરંતુ ક્યારેક સંજોગોવસાત ભીમ અગિયારસ દરમિયાન વાવણી લાયક વરસાદ ન થયો હોય અને વરસાદ ખેંચાઈ તેવા સંજોગોમાં અષાઢી બીજ પર ખેડૂતો આશાભરી નજર માંડી બેશે છે. અને અષાઢી બીજ આસપાસ સારો વરસાદ પડતા ખેડૂતો એ વાવણી કાર્ય કરવું પડે છે.
હિદુ પંચાંગ મુજબ ચોમાસુ સિઝનની શરૂઆત જેના આગમનથી થાય છે તે આદ્રા નક્ષત્ર વરસાદ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આદ્રા નક્ષત્ર ગત તારીખ ૨૨ જૂનના રોજ બેસી ગઈયેલ છે અને ૬ જુલાઈ સુધી રહેનાર હોવાનું કહેવાય છે. ત્યારબાદ 'પુનવરસુ' નક્ષત્ર ની શરૂઆત થશે . આ દરમિયાન 'આદ્રા' કેવો વર્ષે છે તેના આધારે આગામી દિવસોમાં ચોમાસા નો પ્રભાવ કેવો રહેશે તેનો અનુભવી ખેડૂતો અંદાજ બાંધે છે.
૧૫ જૂન ના એક સપ્તાહ બાદ આદ્રા નક્ષત્ર પણ બેસી ગયું અને ભીમ અગિયારસ પણ આવી ગઈ આમ છતાં હજુ આજ દિન સુધી આ વિસ્તારમાં મેઘરાજા ડોકાયા નથી ! હાલતો ખેડૂતો વાવણી કાર્ય માટે સંપૂર્ણ તૈયારી કરીને વરસાદની રાહમાં બેઠા છે. જોકે પાણીની સગવડતા ધરાવતા કેટલાક ખેડૂતો એ નજીકના ભવિષ્યમાં જ સારો વરસાદ થઈ જશે તેવી આશા સાથે ચોમાસુ પાક નુ (વરસાદ પૂર્વેજ) આગોતરું વાવેતર કરી દીધેલ હોવાનું પણ જાણવા મળેલ છે.
પ્રવર્તમાન સંજોગોમાં ભારે ગરમી, ઉકળાટ અને બફારાએ જોર પકડેલ છે.આકાશમાં વાદળો છુટા છવાયા ખાલી ખાલી દોડતા જણાઈ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વરસાદની તાતી જરૂરત છે. આ માટે લોકો ભીમ અગિયારસ પર મીટ માંડી બેઠા છે. જોકે આ અંગે જાણકારો કહે છે કે, આવતીકાલે ભીમ અગિયારસ છે. હજુ કંઈ મોડું થયું ન ગણાય.જો મેઘરાજા બે ચાર દિવસમાં વરસી જાય તો એ સમયસર નોજ વરસાદ હશે.
ચોમાસુ સિઝનની શરૂઆતમાં સામાન્ય રીતે સર્વત્ર વરસાદ નો પ્રભાવ હોય છે. પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં ઉભી થયેલ અલનીનો ના પ્રભાવના કારણે છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહીકારો દ્વારા સંભાવના દર્શાવતા સમાચારો સાંભળવા મળી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સારા વરસાદની અભિલાષા સાથે લોકો આગાહીકારોની આગાહીઓ સદંતર ખોટી ઠરે અને ભીમ અગિયારસના પવિત્ર દિવસે સર્વત્ર શ્રીકાર વર્ષા વર્ષે તેવી વરુણ દેવ ને પ્રાર્થના કરી રહ્યા છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
