<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

કાલે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ચેરમેન પ.પૂ.પી.પી.સ્વામીનો જન્મદિવસ

કાલે તા.૬ ને રવિવારે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ચેરમેન પ.પૂ.પી.પી. સ્વામીનો જન્મદિવસ છે. ત્યારે એક એવા જીવનનું સ્મરણ થાય છે જે સેવા, સમર્પણ અને અનન્ય વ્યવસ્થાપનની શક્તિનું સાક્ષાત્ દર્શન કરાવે છે.

 

 

 

 

 

 

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫ : પ.પૂ.પી.પી.સ્વામીએ નાનપણમાં જ સંસારનો ત્યાગ કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. ત્યારથી આજ સુધી તેમનું જીવન સેવા અને સમાજના કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે.                      તેમના મેનેજમેન્ટ હેઠળ મંદિરમાં મોટા-મોટા ઉત્સવો ભવ્યતા સાથે સંપન્ન થાય છે. દરેક કાર્યક્રમમાં તેમની દીર્ઘદ્રષ્ટિ અને સૂક્ષ્મ આયોજનથી એક અલૌકિક શોભા અને વ્યવસ્થા પ્રગટે છે. દર્શનાર્થીઓની સગવડ, ઉતારાની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા કે ધાર્મિક અનુષ્ઠાનો—બધું જ તેમની સતત ચિંતા અને ઉત્સાહનું પરિણામ છે. રાત-દિવસનો ભેદ વિના તેઓ સમાજ અને હરિભક્તોની સેવામાં જોયા વગર કાર્યરત રહે છે.

હાલમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં તેમના નેતૃત્વ હેઠળ અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યો ચાલી રહ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ, લાખો હરિભક્તો એકસાથે બેસીને પ્રસાદ લઈ શકે તેવા નૂતન ભોજનાલયનું નિર્માણ તથા ભગવાન સ્વામિનારાયણના મહાપ્રસાદિભૂત ઝીણાભાઈના દીવાનખાનાનો જીર્ણોદ્ધાર—આ બધાં કાર્યો તેમની દૂરદર્શી દૃષ્ટિ અને કર્મયોગી સ્વભાવનું જીવંત ઉદાહરણ છે.

પૂજ્ય સ્વામીનો સ્વભાવ અનોખો છે. તેઓ એસીની ઠંડકમાં બેસીને કામ કરવાને બદલે સતત કાર્યસ્થળે જાતે હાજર રહે છે. ગમે તેવી કાળજાળ ગરમી હોય કે કડક ઠંડી, જ્યાં સેવાનું કાર્ય ચાલતું હોય ત્યાં તેઓ પોતે ઉપસ્થિત રહીને સેવકો અને ભક્તોનો ઉત્સાહ વધારતા રહે છે. આ કર્મયોગી જીવન તેમને માત્ર મંદિરના ચેરમેન નહીં, પરંતુ સેવાના જીવંત પ્રતીક તરીકે સ્થાપિત કરે છે.

             તેમના જન્મદિવસે સૌ સંતો અને હરિભક્તો પ્રાર્થના સાથે શુભકામના પાઠવી રહ્યા છે કે પરમ પૂજ્ય પીપી સ્વામીને ભગવાન શ્રી સ્વામિનારાયણ દીર્ઘાયુ, આરોગ્ય અને અવિરત સેવાશક્તિ પ્રદાન કરે. તેમનું જીવન સમગ્ર સમાજ માટે સેવા, સમર્પણ અને કર્મયોગનો સંદેશ પહોંચાડતું રહે.

પ.પૂ.પી.પી. સ્વામી(મો.નં.98799 12072).

(6:16 PM IST)