<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ધ્રોલના લતીપુરમાં કાલે ભક્‍તિ અને સામાજિક સમરસતાનો ત્રિવેણી સંગમઃ આજી કાંઠે મેલડી માઁનો ‘નવરંગો માંડવો' અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન

ભરતભાઈ અને દલસુખભાઈ ડુંઢીયા ડાક-ડમરુની રમઝટ બોલાવશે; માઁ ની લાડકવાયી સમૂહ લગ્નોત્‍સવમાં અનેક નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨: ધ્રોલ તાલુકાના લતીપુરની પવિત્ર ધરા પર દેવાધિદેવના સાનિધ્‍યમાં આવતીકાલે ભક્‍તિ અને સામાજિક સમરસતાનો અદભૂત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. રાજ રાજેશ્વરી શ્રી કાંઠાવાળી મેલડી માતાજીની અસીમ કૃપાથી ‘શ્રી કાંઠાવાળી મેલડી માઁ સમૂહ લગ્ન સમિતિ - લતીપુર' દ્વારા આજી નદીના કાંઠે સર્વજ્ઞાતિની દીકરીઓ માટે તૃતીય જાજરમાન સમૂહ લગ્ન તેમજ માતાજીના ૨૪ કલાકના ‘નવરંગા માંડવા'નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

સમસ્‍ત લતીપુર ગામ અને આયોજક સમિતિ દ્વારા નિર્ધારિત વિગતો મુજબ, વિક્રમ સંવત ૨૦૮૨, વૈશાખ વદ-બીજ ને રવિવાર, તારીખ ૦૩-૦૫-૨૦૨૬ ના રોજ આ ધાર્મિક મહોત્‍સવનો પ્રારંભ થશે. રવિવારે સવારે ૦૭:૧૫ કલાકે થાંભલી રોપણ મુહૂર્ત અને સવારે ૧૦:૧૫ કલાકે માતાજીના સામૈયા યોજાશે. આ પ્રસંગે માંડવા મા શ્રી ભરતભાઈ ડુંઢીયા તથા શ્રી દલસુખભાઈ ડુંઢીયા પોતાની આગવી શૈલીમાં ડાક અને ડમરુની રમઝટ બોલાવી ભક્‍તિમય વાતાવરણ ઉભું કરશે. સોમવારે સવારે ૦૭:૧૫ કલાકે થાંભલી વધાવવાની વિધિ સાથે માંડવાની પૂર્ણાહુતિ થશે.

બીજી તરફ, ‘માઁ ની લાડકવાયી' ના લગ્ન તરીકે ઓળખાતા તૃતીય સમૂહ લગ્નોત્‍સવમાં અનેક નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પ્રસંગની રૂપરેખા મુજબ, રવિવારે સવારે ૦૯:૩૦ કલાકે મંડપ રોપણ, બપોરે ૦૩:૩૦ કલાકે જાનના સામૈયા અને સાંજે ૦૬:૧૫ કલાકે હસ્‍ત મેળાપની વિધિ યોજાશે. આ મંગલ પ્રસંગે શાષી મનિષકુમાર શંકરલાલ પંડયા આચાર્યપદે સેવા આપી નવદંપતીઓને શાષાોક્‍ત વિધિથી લગ્નગ્રંથિએ જોડશે.

આ ભવ્‍ય આયોજનને સફળ બનાવવા માટે શ્રી ગણેશભાઈ મુંગરા સહિત લતીપુર ગ્રામજનો તેમજ સમિતિના સભ્‍યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મહોત્‍સવમાં રવિવારે સાંજે ૦૬:૩૦ કલાકે સમસ્‍ત ભકતો માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન છે. આજી નદીના કાંઠે બિરાજમાન શ્રી કાંઠાવાળી મેલડી માતાજીના સાનિધ્‍યમાં યોજાનારા આ રૂડા અવસરે નવદંપતીઓને આશીર્વાદ આપવા તેમજ માતાજીના માંડવાના દર્શનનો લાભ લેવા ભાવિકોને સમિતિ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(10:00 AM IST)