તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પવનના સુસવાટા અને કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
સીઝનના પહેલા જ વરસાદે તંત્રના દાવાઓની પોલ ખોલી:નવો બનેલો રસ્તો નબળી ગુણવત્તાના કારણે પાણીમાં ગરકાવ: આખા ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા

બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બોટાદના ઐતિહાસિક અને પ્રખ્યાત કારિયાણી ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સુસવાટા અને કડાકા-ભડાકા સાથે સીઝનનો પ્રથમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ વર્ષના સીઝનના પ્રથમ ધોધમાર વરસાદને પગલે ખરીફ પાકના વાવેતર માટે આતુરતાથી રાહ જોઈ રહેલા 'જગતના તાત' એટલે કે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ વરસાદ વાવણી માટે આશીર્વાદ સમાન સાબિત થશે, જેના કારણે ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને તેઓ ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે.
એક તરફ જ્યાં વરસાદથી ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વહીવટી તંત્રની નબળી કામગીરી પણ સામે આવી છે. કારિયાણી ગામે હજુ થોડા સમય પહેલા જ લાખો-કરોડોના ખર્ચે નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ, સીઝનના આ પહેલા જ વરસાદે તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. નવો બનેલો રસ્તો યોગ્ય આયોજન અને નબળી ગુણવત્તાના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આખા ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગામમાં યોગ્ય નિકાલ ન હોવાના કારણે અને રસ્તો બરોબર ન બનાવવાના કારણે પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગામલોકોએ ભેગા મળીને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેનો એક વીડિયો બનાવ્યો હતો, જેમાં રસ્તા પર ભરાયેલા પાણી અને તંત્રની બેદરકારી સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યો છે અને લોકો કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
