News of Saturday, 1st August 2026
મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ: સવારથી બપોર સુધીમાં 8 કલાકમાં મોરબીમાં સવા પાંચ ઇંચ : હળવદમાં પાંચ ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
બપોરે 12 થી 2 દરમિયાન હળવદમાં સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ, માળિયા-ટંકારામાં પણ સવા ચાર ઇંચથી વધુ નોંધાયો, તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના

( પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા.૧ : મોરબી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે
હવામાન વિભાગ અને જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં માત્ર 2 કલાકમાં જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે.હળવદ સવા બે ઇંચ એટલે કે 60 મીમી,માળિયા દોઢ ઇંચ એટલે કે 38 મીમી ,મોરબી એક ઇંચ એટલે કે 25 મીમી,ટંકારા 15 મીમી,વાંકાનેર 4 મીમી.
સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 8 કલાકમાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.મોરબી*: સૌથી વધુ સવા પાંચ ઇંચ એટલે કે 134 મીમી,હળવદ: પાંચ ઇંચ એટલે કે 125 મીમી,ટંકારા*: સવા ચાર ઇંચ એટલે કે 108 મીમી,માળિયા સવા ચાર ઇંચ એટલે કે 107 મીમી,વાંકાનેર: બે ઇંચ એટલે કે 49 મીમી.
સતત વરસાદના કારણે જિલ્લાની નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
