<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ગોંડલમાં ૩ ઇંચથી વધુ ખાબકેલા ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર: અંડરબ્રિજમાં ફસાયેલી એસ.ટી. બસનું રેસ્ક્યુ

ધોધમાર વરસાદના કારણે લાંબા સમયથી પાણી વગર મુરઝાઈ રહેલા સૂકાયેલા પાકોને નવું જીવનદાન મળતા ધરતીપુત્રોના ચહેરા પર રાહતની સાથે ખુશીની લહેર છવાઈ ગઈ

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ત્રણ ઇંચ કરતા વધુ ધોધમાર વરસાદ વરસાવ્યો છે. ટૂંકા સમયમાં પડેલા આ અતિભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે અને શહેરના મુખ્ય રાજમાર્ગો પર નદીઓની જેમ વરસાદી પાણી ફરી વળ્યા છે.

વરસાદના ભારે પ્રવાહના કારણે શહેરના ઉમવાડા, લાલપુલ અને ખોડિયાર અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે અંડરબ્રિજમાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ દરમિયાન અંડરબ્રિજમાં ભરાયેલા પાણીના ભારે પ્રવાહ વચ્ચે એક એસ.ટી. બસ અચાનક ફસાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બસમાં સવાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફાયર વિભાગ તેમજ જેસીબી (JCB) ની મદદથી ભારે જહેમત બાદ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનું હેમખેમ અને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમજ બસને બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ, આ ધોધમાર વરસાદના કારણે લાંબા સમયથી પાણી વગર મુરઝાઈ રહેલા સૂકાયેલા પાકોને નવું જીવનદાન મળતા ધરતીપુત્રોના ચહેરા પર રાહતની સાથે ખુશીની લહેર છવાઈ ગઈ છે.

(10:55 PM IST)