તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 5th July 2026
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી અનેક ડેમોના દરવાજા ખોલાયા: નદીઓમાં ઘોડાપુર : અનેક ગામોને એલર્ટ : ભારે પૂરની સ્થિતિ
અમરેલી, જૂનાગઢ , ગીર સોમનાથમાં અનરાધાર વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત : અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો

ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના કારણે ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે તો ક્યાંક ખેડૂતો આનંદમાં છે. વળી કેટલાક વિસ્તારો એવા છે જ્યાં મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા અને સતત વરસાદ વરસી રહ્યો છે. જંગલ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે પ્રકૃતિનું રમણિય સ્વરૂપ જોવા માટે સહેલાણીઓની પણ ખાસ્સી ભીડ ઉમટી પડી છે. ત્યારે આજે વરસાદ બાદ ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કેવી સ્થિતિ રહી તેના પર એક નજર કરીએ તો.
જૂનાગઢ : જિલ્લામાં વરસેલા વરસાદને પગલે ભવનાથ તળેટી અને વિલિંગ્ડન ડેમ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કુદરતી સૌંદર્યનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ભવનાથ તળેટી તેમજ વિલિંગ્ડન ડેમ તરફ જતાં માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ડેમ હજુ ઓવરફ્લો થયો ન હોવા છતાં વરસાદી માહોલનો આનંદ માણવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
અમરેલી : જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ધારીના ચલાલા શહેરમાં મુશળધાર વરસાદ વરસતા મુખ્ય બજારો અને શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા. બજારમાં વરસાદી પાણીના પ્રવાહને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સતત વરસાદ ચાલુ રહે તો નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધારી પંથકમાં ભારે વરસાદને કારણે ખોડિયાર ડેમમાં પાણીની સતત આવક વધતા ડેમના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલી જ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ખોલાતા અમરેલી અને ભાવનગર જિલ્લાના 40થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. તાલુકાનું સોનારિયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
વરસાદના આંકડા મુજબ રાજુલામાં સૌથી વધુ પોણા 9 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ધારીમાં પોણા 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાંભા અને લીલીયામાં 4થી 5 ઇંચ તેમજ બગસરા, સાવરકુંડલા અને જાફરાબાદમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ : ગીર ગઢડા વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નગડિયા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામ તરફ જતો મુખ્ય માર્ગ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને બ્રિજ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા વાહનચાલકોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ગાંડી તૂર નદીના પટ વિસ્તારમાંથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે.
ઉનાના શયદ રાજપરા ગામના ખાણ વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ઘરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે. જીવનજરૂરી વસ્તુઓ લેવા લોકો તરણાનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ સુધી વહિવટી તંત્ર સ્થળ પર પહોંચ્યું નથી અને વરસાદ ચાલુ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જિલ્લામાં ઉનામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગીર ગઢડા અને કોડીનાર વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા : પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ પાલનપુર-આબુ નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થ્રી એલિવેટેડ બ્રિજ નજીક હાઇવે પર પાણી ભરાતા નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સામાન્ય વરસાદમાં જ હાઇવે પાણીમાં ગરકાવ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અન્ય વિસ્તારો : રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઇંચ, ભાવનગરના મહુવામાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત કપરાડા, તારાપુર, વિસાવદર, દાંતા અને ચુડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. અનેક નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાતા તંત્રએ લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા અપીલ કરી છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
