<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

કચ્છમાં પશુધનની કુલ વસ્તી 21 લાખને પાર

ગાય અને ભેંસની સંખ્યામાં વધારો: ઊંટ - ઘેટાંની ઘટતી વસ્તીએ પશુપાલકોની ચિંતા વધારી

ભુજઃ કચ્છ જિલ્લામાં ખેતી બાદ પશુપાલન ગ્રામ્ય અર્થતંત્રનો મુખ્ય આધાર બની રહ્યું છે. જિલ્લામાં પશુધનની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. સરકારી આંકડા મુજબ કચ્છમાં કુલ પશુધનની સંખ્યા વધીને 21,04,554 પર પહોંચી ગઈ છે. જોકે, કચ્છની ઓળખ સમાન ઊંટની સંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે.

કચ્છમાં કાંકરેજ અને દેશી ગાયોની સંખ્યા અગાઉ આશરે 4.9 લાખ હતી, જે વધીને 5,83,420 થઈ છે. તેવી જ રીતે બન્ની વિસ્તારની પ્રખ્યાત બન્ની ભેંસોની સંખ્યા 3.1 લાખથી વધીને 3,75,409 થઈ છે. ડેરી ઉદ્યોગના વિકાસને કારણે દૂધાળાં પશુઓની સંખ્યામાં વધારો થયો છે.

કચ્છના વિશિષ્ટ ખારાઈ અને કચ્છી ઊંટની સંખ્યા અગાઉ આશરે 10,500 હતી, જે ઘટીને માત્ર 7,967 રહી ગઈ છે. ઊંટની ઘટતી વસ્તીથી પશુપાલકો અને પર્યાવરણવિદોમાં ચિંતા જોવા મળી રહી છે.

ઘેટાંની સંખ્યા પણ 5.9 લાખથી ઘટીને 5,05,912 થઈ છે, જ્યારે બકરાંની સંખ્યા વધીને 4,01,029 નોંધાઈ છે.

ભુજના સરકારી પશુ ચિકિત્સાલયમાં વધતી પશુવસ્તીની સામે પૂરતી માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં મંજૂર મહેકમ માત્ર ચાર કર્મચારીઓનું છે. એક્સ-રે મશીન લાંબા સમયથી બંધ છે અને દવાઓનો જથ્થો પણ અવારનવાર ખૂટી જાય છે.

પશુપાલકોને જરૂરી દવાઓ અને ઇન્જેક્શન બહારથી ખરીદવા પડતાં હોવાથી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.એક તરફ કચ્છમાં પશુપાલનનો વિસ્તાર વધી રહ્યો છે, તો બીજી તરફ ઊંટની ઘટતી સંખ્યા અને પશુ દવાખાનાની સુવિધાઓનો અભાવ ચિંતાનો વિષય બન્યો છે.

(12:34 PM IST)