<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

માતા-પિતાને પગે લાગજો, સુખ-શાંતિ-ઈશ્વરની કૃપા વરસશેઃડો.મહાદેવપ્રસાદ મહેતા

અયોધ્‍યાની પવિત્ર ધરા પર ગુંજી રહી છે શ્રી રામ કથાઃ કોઈ સાચા હૃદયથી શ્રી રામનામનો જાપ કરે તેના જીવનની તમામ મુશ્‍કેલીઓ દૂર થાય, કળિયુગમાં શ્રી રામનામ જ એકમાત્ર સહારોઃ પૂ. સુખરામદાસબાપૂ : પ્રભુ શ્રી રામ ભગવાનની જન્‍મભૂમિ અયોધ્‍યાની પવિત્ર ધરા પર ભક્‍તિનો માહોલઃ જુનાગઢ જીલ્‍લાના મેંદરડા ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુ આયોજિત શ્રીરામ કથાનો પંચમ દિવસ ભારે ઉત્‍સાહ અને ભક્‍તિભાવ સાથે ઉજવાયો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦: પ્રભુ શ્રીરામ ભગવાનની જન્‍મભૂમિ અયોધ્‍યાની પવિત્ર ધરા પર ભક્‍તિનો માહોલ જામ્‍યો છે.જુનાગઢ જીલ્‍લાના મેંદરડા ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુ આયોજિત શ્રીરામ કથાનો પંચમ દિવસ  ભારે ઉત્‍સાહ અને ભક્‍તિભાવ સાથે ઉજવાયો હતો.

આ દિવ્‍ય કથાના પ્રવક્‍તા તરીકે વિદ્યા વાચસ્‍પતિ ડો. મહાદેવપ્રસાદ મહેતા બિરાજમાન છે.તેઓ પોતાના મધુર પ્રવચન દ્વારા પ્રભુ શ્રીરામના આદર્શો, ધર્મ, ત્‍યાગ, પ્રેમ અને કલ્‍યાણના શાશ્વત સંદેશને વૈજ્ઞાનિક અને તાર્કિક દ્રષ્ટિએ ભક્‍તો સમક્ષ રજૂ કરી રહ્યા છે. તેમના પ્રવચનથી ભક્‍તો મંત્રમુગ્‍ધ બની રહ્યા છે.

કથા દરમિયાન જુનાગઢ જીલ્‍લાના મેંદરડા ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુએ ભક્‍તોને સંબોધતા કહ્યું કે,શ્રીરામ નામના જાપથી પથ્‍થર પણ તરી જાય છે તો માણસ તો તરી જાય ને. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જ્‍યારે ભગવાન રામના નામથી પથ્‍થર સમુદ્રમાં તર્યા હતા, તો આજે પણ જે કોઈ સાચા હૃદયથી રામનામનો જાપ કરે છે તેના જીવનની તમામ મુશ્‍કેલીઓ દૂર થાય છે. તેમણે કહ્યું કે આજના કળિયુગમાં રામનામ જ એકમાત્ર સહારો છે.

શ્રી રામકથાના વક્‍તા ડો. મહાદેવપ્રસાદ મહેતાએ આજે જીવન જીવવાની રીત વિશે ખૂબ જ મહત્‍વની વાતો કરી. તેમણે કહ્યું કે,લોભીને કીર્તન ન મળે, લાલચ ખોટી છે. જીવનમાં લોભ-લાલચ ન રાખવા જોઈએ. તેમણે ઉમેર્યું કે લોભ અને લાલચ માણસને પતન તરફ લઈ જાય છે. જે વ્‍યક્‍તિ સંતોષી જીવન જીવે છે તેને જ સાચા અર્થમાં ઈશ્વરની ભક્‍તિ અને કીર્તનનો લાભ મળે છે.

આધુનિક યુગમાં સંબંધોમાં આવી રહેલા અંતર અંગે વાત કરતા તેમણે યુવા પેઢીને ખાસ સંદેશ આપ્‍યો. તેમણે કહ્યું કે, સંતાનોએ માતા-પિતાને દરરોજ પગે લાગવું જોઈએ. માતા-પિતા એ જ સાક્ષાત ભગવાન છે. તેમની સેવા અને આશીર્વાદ વિના જીવનમાં કોઈ પણ પ્રગતિ શક્‍ય નથી. માતા-પિતાને માન આપવાથી જ ઘરમાં સુખ-શાંતિ અને ઈશ્વરની કૃપા વરસે છે.

કથાનો લાભ દેશના ખૂણે-ખૂણે તેમજ વિદેશમાં બેઠેલા રામભક્‍તો પણ લઈ શકે તે માટે આયોજકો દ્વારા યુટ્‍યુબ પર જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. હજારોની સંખ્‍યામાં ભક્‍તો ઘરે બેઠા કથાનું રસપાન શ્રી રામકથાના વક્‍તા ડો.મહાદેવપ્રસાદ મહેતાની યુટ્‍યુબ ચેનલ ઉપરથી કરી રહ્યા છે.

મેંદરડા ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામ દાસબાપુ સહિત આયોજક સમિતિ દ્વારા તમામ સનાતન ધર્મના અનુયાયીઓને પરિવાર સાથે કથાનો લાભ લેવા અને પ્રભુ શ્રી રામના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવા અપીલ કરવામાં આવી છે.

(10:48 AM IST)