હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના પ્રવાસન વિકાસને મળશે નવી દિશા : કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત ટૂરિઝમ વચ્ચે એમઓયુ
કૌશલ્ય વિકાસ, સંશોધન અને ડિજિટલ ટૂરિઝમને વેગ મળશે : 150થી વધુ પ્રવાસન સ્થળોનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન અને 100 નવા ગાઇડ્સને તાલીમ આપવાનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : તાજેતરમાં ગાંધીનગરના GIFT City Club ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) વચ્ચે કચ્છના પ્રવાસન વિકાસ માટે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યો હતો. ‘Celebrating Gujarat Tourism Year: Timeless Gujarat, Countless Experiences’ થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત સહિત પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને પ્રવાસન પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર ડૉ. ગૌરવ ડી. ચૌહાણે પણ ભાગ લીધો હતો.
MoU અંતર્ગત કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે કૌશલ્ય વિકાસ, તાલીમ, સંશોધન અને શૈક્ષણિક સહયોગને વિસ્તૃત કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં 20થી વધુ પ્રવાસન આધારિત રેસિડેન્શિયલ કોર્સ તથા 20થી વધુ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. સાથે જ કચ્છના 150થી વધુ પ્રવાસન સ્થળોની ઓળખ, સંરક્ષણ અને ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીમાં મંજૂર થયેલા ‘સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ’ના માધ્યમ પ્રવાસન અને હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોમાં વિવિધ કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો શરૂ કરવાની દિશામાં પણ કામગીરી હાથ ધરાશે. TCGLની નવી ટૂરિસ્ટ ગાઇડ લાઇસન્સ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા કચ્છમાં ઓછામાં ઓછા 100 નવા ટૂરિસ્ટ ગાઇડ્સને તાલીમ આપવાનું આયોજન છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં ડિજિટલ અને AI આધારિત પહેલ, પ્રવાસન સર્કિટના વિકાસ, સ્વચ્છતા, સુવિધા અને ગુણવત્તાયુક્ત સેવાઓ પર પણ ભાર મૂકાયો હતો. નાયબ મુખ્યમંત્રીએ પ્રવાસન વિકાસમાં સરકાર સાથે સ્થાનિક સેવા પ્રદાતાઓ અને અન્ય હિતધારકોની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છ યુનિવર્સિટી અને TCGLના સહયોગથી ઓગસ્ટમાં યોજાયેલા રિફ્રેશર ટૂર ગાઇડ તાલીમ કાર્યક્રમમાં કચ્છના 23 માર્ગદર્શકોએ તાલીમ પૂર્ણ કરી હતી. નવી ભાગીદારીથી સ્થાનિક યુવાનો, સમુદાયો અને હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે રોજગારી તથા ઉદ્યોગસાહસિકતાની તકો વધવાની દિશામાં માર્ગ મોકળો થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
