<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

કચ્છમાં રણોત્સવની અવ્યવસ્થા અંગે પ્રવાસીઓની ફરિયાદોનો પડઘો: કલેક્ટર તંત્ર એક્શનમાં: ૧૬ ટીમો બનાવી પ્રવાસીઓની સુવિધા જાળવવા આદેશ

રોડ ટુ હેવનથી ધોળાવીરા સુધીના માર્ગોની મરામત, સ્વચ્છતા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, પરમિટ અને પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ સુદૃઢ કરવા સૂચના; ટીમો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવ 2026-27 દરમિયાન પ્રવાસીઓની સુવિધાઓ અને આયોજનની ખામીઓ અંગે સોશિયલ મીડિયા સહિત વિવિધ સ્તરે ઊઠેલી ફરિયાદોનો પડઘો તંત્ર સુધી પહોંચતાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ સમીક્ષા બેઠક યોજી વ્યવસ્થાઓ સુધારવા તાકીદ કરી છે. પ્રવાસીઓ દ્વારા ખાસ કરીને ખાવડાથી રોડ ટુ હેવન અને ત્યાંથી ધોળાવીરા સુધીના માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા, આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક નિયમનના અભાવ અંગે ફરિયાદો કરવામાં આવી છે. આ ઉપરાંત ભીરંડીયારા ચેકપોસ્ટ પર પરમિટ માટે લાંબી કતારો, ટેન્ટ-હોમસ્ટે અને ટેક્સીનાં ઊંચાં ભાડાં, વોચ ટાવર સુધી પૂરતી બસોની અછત તેમજ સફેદ રણમાં ગંદકી અને પ્લાસ્ટિકના કચરા અંગે પણ પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રણોત્સવ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે અને કચ્છની પ્રવાસન પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે માર્ગો, ટ્રાફિક, પાર્કિંગ, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે રોડ ટુ હેવન ખાતે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ ઊભી કરવા, ટ્રાફિક નિયમન અને સુરક્ષા સુદૃઢ બનાવવા તેમજ ધોરડોના વોચ ટાવર પાસે નો-પાર્કિંગ ઝોનનો કડક અમલ કરાવવા સૂચના આપી હતી. પ્રવાસીઓની સંખ્યાને અનુરૂપ પાર્કિંગ સ્થળેથી વોચ ટાવર સુધી વધારાની બસો ફાળવવા અને ભીરંડીયારા સહિત પરમિટ વ્યવસ્થામાં નિયમસર ચકાસણી સાથે સુચારુ આયોજન કરવા પણ જણાવ્યું હતું.

સ્વચ્છતાના મુદ્દે સફેદ રણ, ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરા ખાતે સફાઈ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા, નો-પ્લાસ્ટિક ઝોનના નિયમોનું પાલન કરાવવા તથા કચરો ફેંકનારા સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પીવાના પાણી, સેનિટેશન, વીજળી અને હેલ્પ ડેસ્ક જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ ધોરડોના માર્ગોની સમયાંતરે મરામત કરવા પણ સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી છે.

રણોત્સવ દરમિયાન વ્યવસ્થાઓની સતત દેખરેખ અને ઝડપી કામગીરી માટે વિવિધ વિભાગોની 16 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં રોડ ટુ હેવન અને ધોળાવીરા, ટ્રાફિક અને પાર્કિંગ, સ્વચ્છતા, ફાયર સેફ્ટી, મેડિકલ, રોડ સેફ્ટી, પાણી અને વીજ પુરવઠો, હેલ્પ ડેસ્ક સહિતની ટીમોનો સમાવેશ થાય છે. આ તમામ ટીમો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે અને તેમની કામગીરીની સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવશે. પ્રવાસીઓની ફરિયાદોને પગલે તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી રણોત્સવની વ્યવસ્થાઓમાં સુધારો આવે અને પ્રવાસીઓને સુખદ અનુભવ મળે તે હવે જોવાનું રહેશે.

(9:28 AM IST)