News of Tuesday, 2nd June 2026
કચ્છના નાના રણ વિસ્તારમાં વાવાઝોડા અને ભારે વરસાદને પગલે ટ્રેકટર સાથે ફસાયેલા ૧૭ શ્રદ્ધાળુઓનું પૂર્વ કચ્છ પોલીસે રેસ્ક્યુ કર્યું
તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પોલીસે ભોજનની વ્યવસ્થા કરવા સાથે તમામને સહી-સલામત રીતે તેમના ઘરે પહોંચાડવાની પણ સગવડ કરી આપી

કચ્છના વછરાજ ધામ નજીક આવેલા નાના રણ વિસ્તારમાં મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદને પગલે ૧૭ શ્રદ્ધાળુઓ તેમના ટ્રેક્ટર સાથે ફસાઈ ગયા હતા. વરસાદને કારણે ટ્રેક્ટર કાદવમાં ખૂંપી જતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે તાત્કાલિક અસરથી બચાવ કામગીરીના આદેશ આપ્યા હતા. આદેશ મળતાની સાથે જ આડેસર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. આચાર્ય અને તેમનો સ્ટાફ ભારે જોખમ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
રાત્રિના અંધકાર અને તોફાની વાતાવરણમાં પોલીસે અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ૧૭ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પોલીસ દ્વારા તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસે તમામને સહી-સલામત રીતે તેમના ઘરે પહોંચાડવાની પણ સગવડ કરી આપી હતી. સમયસૂચકતા અને માનવતાભર્યા અભિગમ સાથે કામ કરનાર પોલીસની કામગીરીને લઈને શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોએ ભારે પ્રશંસા કરી હતી. પોલીસે મુશ્કેલીના સમયે ખડેપગે રહીને સાચી લોકરક્ષકની ભૂમિકા અદા કરી હતી.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
