News of Wednesday, 18th November 2026
ચોટીલા હાઇ-વે ઉપર ટ્રાફિકની મહાઆફત! ૧૦ કિમીથી વધુ લાંબી વાહનોની કતારો
રસ્તાના વિકાસ માટે ડામર પાથરાય છે, પરંતુ આયોજનના અભાવે જનતાની ધીરજ અને દર્દીઓની મુશ્કેલીની કસોટી ન થવી જોઈએ! ચાર કલાકથી વધુ સમય સુધી હજારો વાહનચાલકો જામમાં ફસાયા, એમ્બ્યુલન્સમાં જતા દર્દીઓની હાલત કફોડીઃ હાઈવે ઓથોરિટી, કોન્ટ્રાક્ટર, પોલીસ અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનનો અભાવ છતો થયોઃ અણઘડ આયોજનનો ભોગ બનતા નિર્દોષ મુસાફરોમાં ભારે રોષ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૮: યાત્રાધામ ચામુંડાધામમાં નેશનલ હાઈવેના કામકાજને લઈને ફરી એકવાર ટ્રાફિક વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે ઉપર જલારામ મંદિરથી ચોટીલા તરફના માર્ગ પર ડામર પાથરવાની કામગીરી યોગ્ય ટ્રાફિક આયોજન વિના શરૂ કરી દેવામાં આવતાં મંગળવારની સાંજે ચોટીલા શહેરની બંને તરફ ટ્રાફિકની મહાઆફત સર્જાઈ હતી. રાજકોટ અને અમદાવાદ તરફ જતા માર્ગો ઉપર ૧૦ કિમીથી વધુ લાંબી વાહનોની કતારો લાગી જતાં હજારો વાહનચાલકો અને મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. ટ્રાફિક જામની સૌથી ગંભીર અસર ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવાતા દર્દીઓ ઉપર પડી હતી. હાઈવે ઉપર સર્જાયેલી વાહનોની ગીચતા વચ્ચે એમ્બ્યુલન્સને પણ આગળ વધવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને વધારાની યાતના સહન કરવાનો વારો આવ્યો હતો.
રોડનું કામ કે મુસાફરો માટે મુસીબતનું કારણ?
સ્થાનિક જાણકારોના મતે નેશનલ હાઈવે ઉપર ડામર પાથરવાની કામગીરી દરમિયાન વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવા છતાં અગાઉના અનુભવોમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી. કોન્ટ્રાક્ટર કંપનીનું અણઘડ આયોજન, કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીની અસરકારક દેખરેખનો અભાવ અને માત્ર લેબર કામદારોના ભરોસે ચાલતી વ્યવસ્થાને કારણે ટ્રાફિક નિયંત્રણની સ્થિતિ કથળી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી, કોન્ટ્રાક્ટર કંપની, પોલીસ તંત્ર અને ચોટીલાના સ્થાનિક પ્રશાસન વચ્ચે જરૂરી સંકલનના અભાવને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. એક તરફ રોડનું કામ ચાલતું હોય અને બીજી તરફ હજારો વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય ત્યારે વૈકલ્પિક માર્ગ, વાહનોની અવરજવરનું નિયંત્રણ અને ઇમરજન્સી વાહનોને રસ્તો આપવાની વ્યવસ્થા અગાઉથી નક્કી હોવી જરૂરી છે. પરંતુ આવી વ્યવસ્થાના અભાવે સામાન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.
પોલીસની ચાર કલાક દોડધામ માંડ માંડ હળવાશ આવી!
ગત મંગળવારની સાંજે સર્જાયેલા કલાકોના વિશાળ ટ્રાફિક જામમાં નાના-મોટા હજારો વાહનો ફસાઈ ગયા હતા. પોલીસ દ્વારા જામ હળવો કરવા સઘન દોડધામ અને કવાયત હાથ ધરવામાં આવી હોવા છતાં ચાર કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહારને પૂર્વવત્ કરવામાં માંડ માંડ સફળતા મળી હતી. કલાકો સુધી લાંબી કતારોમાં ફસાયેલા વાહનચાલકો, પ્રવાસીઓ, યાત્રિકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવે જવાબદારી નક્કી કરવાનો સમય!
ચોટીલા જેવા યાત્રાધામ અને રાજકોટ-અમદાવાદને જોડતા મહત્વના નેશનલ હાઈવે ઉપર વારંવાર સર્જાતી આવી પરિસ્થિતિને લઈને પ્રવાસીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોડનું કામ વિકાસ માટે જરૂરી છે, પરંતુ વિકાસના નામે હજારો લોકોને અવ્યવસ્થાના હવાલે કરી શકાય નહીં. કામ શરૂ કરતાં પહેલાં યોગ્ય ટ્રાફિક પ્લાનિંગ, વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા, જવાબદાર અધિકારીની નિમણૂંક અને એમ્બ્યુલન્સ સહિતનાં ઇમરજન્સી વાહનો માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે. સંબંધિત ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ વારંવાર સર્જાતા ટ્રાફિક જામ માટે જવાબદારી નક્કી કરે અને સર્જાતા જામ માટે કોની કયાં ચૂક હોય છે? વારંવાર થતા હજારો લોકોને બાનમાં લેતા જામ પાછળ કોની જવાબદારી? રોડ ના કામને કારણે બેદરકારી દાખવનાર સામે કડક પગલાં ભરાય અને સ્થિતિમાં સુધારો આવે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે.(તસવીરઃ હેમલ શાહ)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
