તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
માંગરોળ પંથકમાં કાળમુખી દુર્ઘટના : સોમનાથથી દ્વારકા જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ પલટી ખાતા બેનાં મોત : અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો : રઈજ ગામ પાસે ભાવનગરના યાત્રિકોની બસને નડ્યો અકસ્માત : હોસ્પિટલમાં ચીસાચીસના દ્રશ્યો

માંગરોળ : શ્રદ્ધા અને આસ્થાની સફર લોહીયાળ બની હોય તેવી એક હૃદયદ્રાવક ઘટના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સામે આવી છે. સોમનાથ દાદાના દર્શન કરી મનમાં દ્વારકાધીશના મિલનની આશ સાથે આગળ વધી રહેલા ભાવનગરના શ્રદ્ધાળુઓ માટે આજનો દિવસ કાળ સાબિત થયો છે. રઈજ ગામ નજીક ખાનગી બસ પલટી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ કરુણ દુર્ઘટનામાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં સારવાર હેઠળ છે.
ઘટનાની વિગત મુજબ, માંગરોળના રઈજ ગામ નજીકથી જ્યારે આ ખાનગી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક રોઝડું રસ્તા પર આડું ઉતર્યું હતું. ચાલુ બસે અચાનક પ્રાણી સામે આવતા ડ્રાઈવરે તેને બચાવવા જતાં સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના પરિણામે 40થી વધુ મુસાફરોથી ભરેલી આ બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બસ પલટી જતાં જ મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
અકસ્માત સર્જાતા જ રઈજ ગામના ગ્રામજનો અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી બસની અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરવામાં આવતા તંત્રની ટિમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે, જે પૈકી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
સોમનાથથી દ્વારકા દર્શન માટે નીકળેલા આ શ્રદ્ધાળુઓ મૂળ ભાવનગરના રહેવાસી છે. પવિત્ર યાત્રા દરમિયાન માર્ગમાં જ કાળનો પંજો ફરી વળતા ભાવનગરમાં રહેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
