<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

મોરબીમાં શ્વાનના હુમલામાં એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતા સમગ્ર શહેરમાં અરેરાટી

દરરોજ સરેરાશ 24 લોકો ઉપર હુમલો:સિવિલમાં છેલ્લા 6 દિવસમાં શ્વાન કરડ્યાના 146 કેસો નોંધાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે શ્વાનના હુમલા અને કરડવાના બનાવોમાં ચિંતાજનક રીતે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા માત્ર 6 દિવસમાં જ મોરબી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના 146 જેટલા કેસ નોંધાયા છે. એટલે કે દરરોજ સરેરાશ 24 લોકોને શ્વાન કરડે છે. બીજી તરફ તાજેતરમાં જ શ્વાનના હુમલામાં એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મોરબી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, છેલ્લા 6 દિવસમાં શ્વાન કરડવાના કુલ 146 બનાવ સામે આવ્યા છે. જો દૈનિક કેસની વિગતે વાત કરીએ તો, તારીખ 01/05 ના રોજ 18 કેસ, 02/05 ના રોજ 19 કેસ, 03/05 ના રોજ 24 કેસ, 04/05 ના રોજ 26 કેસ, 05/05 ના રોજ સૌથી વધુ 38 કેસ અને 06/05 ના રોજ 21 કેસ નોંધાયા હતા.
 મોરબીના જેતપર રોડ પર આવેલ ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં ગત રાત્રીના શ્વાનના હિંસક હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કૃપાલભાઈ માલવિયાનો 8 વર્ષનો પુત્ર કૃણાલ ગતરાત્રીના સમયે લેબર કોલોનીમાં સ્કૂલ રૂમ પાસે અન્ય શ્રમિકો સાથે સૂતો હતો ત્યારે 1 થી 1:30 વાગ્યાના અરસામાં બાળક જાગી ગયા બાદ પોતાના રૂમ પર જવા નીકળ્યો હતો. જો કે, કૃણાલ પોતાની માતા પાસે રૂમમાં જતો હતો તે સમયે રસ્તામાં 3 થી 4 શ્વાને અચાનક જ હુમલો કરી દીધો હતો.
શ્વાનોએ કરેલા ગંભીર હુમલામાં કૃણાલ લોહીલુહાણ બની ગયો હતો. હિંસક બનેલા શ્વાનોએ કૃણાલને આખા શરીર પર એટલી હદે બચકા ભર્યા હતા કે, કૃણાલનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબીની ટાઇટેનિયમ સિરામિક ફેકટરીમાં શ્વાનના હિંસક હુમલા બાદ બાળકના મૃત્યુ અંગે ફેકટરીના સુપરવાઈઝર ગજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે 1 થી 1:30 વાગ્યા વચ્ચે બનેલા બનાવ બાદ શ્રમિકોએ બાળકને શોધવા પ્રયાસ કર્યા હતા પરંતુ બાળક મળ્યું ન હતું. જો કે, બાદમાં વહેલી પરોઢે ફેકટરીમાં ઉકરડા પાસે શ્વાને ફાડી ખાધેલ હાલતમાં માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
શહેરમાં કંસારા શેરીમાં રાજચંદ્રજીના સ્મૃતિ સ્થાન પાસે એક પત્રકારની પૌત્રી ચાલીને જઈ રહી હતી. અચાનક જ શ્વાન પાછળ દોડતા તે ડરીને ભાગવા લાગી હતી અને પડી જવાથી તેને ફ્રેક્ચર થયું છે. હાલ તે સારવાર હેઠળ છે. વધુમાં સવારે મહેન્દ્ર ડ્રાઈવથી માંડી મયુર બ્રિજ પર પણ શ્વાનનો ત્રાસ વધ્યો હોવાનું મોર્નિંગ વૉકમાં જતા લોકો જણાવી રહ્યા છે.
મોરબી શહેરમાં શનાળા રોડ પર જીઆઈડીસી પાછળના વિસ્તારોમાં ચિત્રકૂટ, રાજનગર સહિતની સોસાયટીમાં દરરોજ 6 થી 7 લોકોને શ્વાન બચકા ભરી લેતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં શ્વાન એટલા હદે હિંસક બન્યા છે કે તેમણે માત્ર માણસોને જ નહીં, પરંતુ નંદીઓને અને ગલુડિયાઓને પણ નિશાન બનાવીને બચકા ભર્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને શક્તિનગર, અવધ સોસાયટી અને અનિલ પાર્ક નામની 3 સોસાયટીઓમાં શ્વાનનો ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનો માટે સેલ્ટર હોમ બનાવી લોકોને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે.
મોરબી શહેર વિસ્તારમાં છેલ્લા 4 મહિનામાં જ શ્વાન કરડવાના 2400 બનાવ નોંધાયા હોવા છતાં પણ કોર્પોરેશન પાસે શ્વાન પકડવા કે ખસીકરણ માટે કોઈ જોગવાઈ જ ન હોવાનું સામે આવ્યું છે.
કોર્પોરેશનના પ્રાણી રંજાડ વિભાગના નિમેશ ખાંભલાએ જણાવ્યું હતું કે, હાલમાં શ્વાન માટેનું સેલ્ટર હોમ બનાવવાની કાર્યવાહી ચાલુ છે જે પૂર્ણ થયા બાદ શ્વાન પકડવા માટેના તેમજ ખસીકરણ માટેના ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 3 વખત ટેન્ડર કરવા છતાં કોર્પોરેશન વિસ્તારમાંથી શ્વાન પકડવા માટેની કામગીરી કરવા માટે કોઈ પણ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો.

(12:50 AM IST)