તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ભેંસાણના ચુડામાં કરૂણ બનાવઃ ઘર પાસે રમતી વખતે બેલુ માથે પડતાં પાંચ વર્ષની પ્રિયંકાનું મોત
માસુમ બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ પણ જીવ ન બચ્યોઃ ગોસ્વામી પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: માસુમ ભુલકાઓ ઘણીવાર રમતાં રમતાં મુશીબત નોતરી લેતાં હોય છે. આવા જ એક કરૂણ બનાવમાં ભેસાણના ચુડા ગામે ઘર પાસે રમી રહેલી પાંચ વર્ષની બાળકી પર બેલાની થપ્પી કરીને રાખી હોઇ તેમાંથી એક બેલુ માથે પડતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ જુનાગઢના ભેંસાણ તાબેના ચુડા ગામે રહેતાં મયુરગીરી જેન્તીગીરી ગોસ્વામી અને સપનાબેન મયુરગીરીની દિકરી પ્રિયંકા (ઉ.વ.૫) ગઇકાલે સાંજે ઘર પાસે બીજી છોકરી સાથે રમતી હતી ત્યારે નજીકમાં જુના બેલાના થપ્પા કરીને રાખ્યા હોઇ તેમાં ભુલથી પ્રિયંકાએ ટેકો દઇ દેતાં ઉપર અટકી રહેલું વજનદાર બેલું તેના માથા પર પડતાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ થઇ પડી ગઇ હતી.
બનાવની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતાં અને પ્રિયંકાને સારવાર માટે ભેંસાણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ આજે વેહલી સવારે તેણીનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના મહેશભા ગઢવી, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ સહિતે ભેંસાણ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર પ્રિયંકા બે બહેનમાં નાની હતી અને બાલમંદિરમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા મયુરગીરી શીખંડ બનાવી વેંચે છે. લાડકવાયી દિકરીના મૃત્યુથી ગોસ્વામી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
