હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટકાઉ શહેરોના નિર્માણ માટે ભુજમાં રાષ્ટ્રીય શહેરી મિશનો અંગે તાલીમ યોજાઈ
RCUES-AIILSGના આયોજનમાં કચ્છની ચાર નગરપાલિકાના 30 કર્મચારીઓ જોડાયા, કચરા વ્યવસ્થાપનથી લઈને ULB એક્શન પ્લાન સુધીના મુદ્દે માર્ગદર્શન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : શહેરી અને પર્યાવરણીય અભ્યાસ માટેના પ્રાદેશિક કેન્દ્ર (RCUES)-AIILSG, મુંબઈ દ્વારા આવાસ અને શહેરી બાબતો મંત્રાલય (MoHUA), ભારત સરકારના સહયોગથી ભુજ ખાતે ‘ટકાઉ, સર્વસમાવેશક અને સ્થિતિસ્થાપક શહેરો માટે રાષ્ટ્રીય શહેરી મિશનો’ વિષય પર પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. AIILSGના ડાયરેક્ટર જનરલ ડૉ. જયરાજ ફાટક, IAS (નિવૃત્ત)એ રાષ્ટ્રીય શહેરી મિશનોના અસરકારક અમલ, સંકલિત આયોજન તથા શહેરી સ્થાનિક સંસ્થાઓની ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો. RCUESના ડાયરેક્ટર ડૉ. અજિત સાળવી અને સિનિયર રિસર્ચ ઓફિસર મલેકા અન્સારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમમાં ભુજ, માંડવી, અંજાર અને મુંદ્રા-બારોઈના રાષ્ટ્રીય મિશનો સાથે સંકળાયેલા આશરે 30 કર્મચારીઓએ ભાગ લીધો હતો. સત્રોમાં સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026, સર્ક્યુલર ઇકોનોમી, પ્લાસ્ટિક તથા C&D વેસ્ટ અને જૈવિક કચરા વ્યવસ્થાપન સહિતના વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કચરા વ્યવસ્થાપનમાં જવાબદારી અને અમલીકરણની સમજ વિકસાવવા ‘સ્વચ્છતા કોર્ટ–પ્રદૂષક ચૂકવે સિદ્ધાંત’ આધારિત ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિ યોજાઈ હતી. ઉપરાંત, ‘મિશન ટુ એક્શન–ULB એક્શન પ્લાન’ ગ્રુપ એક્સરસાઇઝમાં સહભાગીઓએ સ્થાનિક શહેરી પડકારો ઓળખી તેમના ઉકેલ માટે ઉપલબ્ધ રાષ્ટ્રીય મિશનો અને યોજનાઓ અંગે ચર્ચા કરી હતી. તાલીમના અંતે પ્રતિસાદ સત્ર યોજાયું હતું, જેમાં સહભાગીઓએ મેળવેલા જ્ઞાન અને વ્યવહારુ અનુભવોની આપ-લે કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
