News of Friday, 6th November 2026
ગોંડલના ઘોઘાવદર ગામે ખેતરની વાડીમાં આવેલા 60 ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલા શિયાળનું વન વિભાગે બચાવ્યો જીવ
ઘોઘાવદર ગામે એક શિયાળ માટે જીવન અને મોત વચ્ચેનો સંઘર્ષ: ઊંડા કૂવામાં ફસાયેલા આ વન્યજીવને બહાર કાઢવા વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમે મોરચો સંભાળ્યો હતો

ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. ખેતરની વાડીમાં આવેલા 60 ફૂટ ઊંડા કૂવામાં અકસ્માતે પડી ગયેલા શિયાળને વન વિભાગની ટીમ અને જીવદયા પ્રેમી ગૌસેવકોએ ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ શિયાળને નવજીવન મળ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઘોઘાવદર ગામના રહેવાસી દિનેશભાઈ જાદવભાઈ ધડુકની વાડીમાં આવેલા કૂવામાં વહેલી સવારે એક શિયાળ અકસ્માતે પડી ગયું હતું. કૂવો અંદાજે 60 ફૂટ ઊંડો હતો અને તેમાં આશરે 10 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. શિયાળ કૂવામાં ફસાયું હોવાની જાણ થતાં જ વાડીના માલિકે તાત્કાલિક ગોંડલ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં જ ગોંડલ રેન્જ ફોરેસ્ટ ટીમ અને જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ઊંડા અને જોખમી કૂવામાંથી શિયાળને બહાર કાઢવું રેસ્ક્યૂ ટીમ માટે પડકારજનક હતું. જોકે, ટીમે સાવચેતીપૂર્વક કામગીરી શરૂ કરી હતી. નેટ અને દોરડાની મદદથી ખાસ ગાળિયો તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુશળતાપૂર્વક આ ગાળિયો શિયાળના પીઠના ભાગે બાંધી તેને ધીમે-ધીમે કૂવામાંથી ઉપર ખેંચવામાં આવ્યું હતું.લગભગ એક કલાકની મહેનત બાદ શિયાળને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
આ રેસ્ક્યૂ ઓપરેશન ગોંડલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) એ.એ. માંગાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાઉન્ડ ફોરેસ્ટર પ્રતિપાલસિંહ ચુડાસમા, વાઈલ્ડ રેસ્ક્યૂ ટ્રેકર માધવભાઈ વ્યાસ તેમજ જીવદયા પ્રેમીઓ રાજુભાઈ ભરવાડ, ફેનીલ અઢીયા અને જિગ્નેશભાઈ કૂકડીયા સહિતની ટીમ જોડાઈ હતી.
શિયાળને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ તેની યોગ્ય તપાસ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શિયાળને શેડ્યૂલ-2માં સુરક્ષા આપવામાં આવી છે. આ સફળ કામગીરીથી વન વિભાગની સમયસૂચકતા અને જીવદયા પ્રેમીઓની સેવાભાવનાની ગ્રામ્ય પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
