<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કચ્છમાં બિન વારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત :સરહદી ક્રીક વિસ્તારમાંથી બીએસએફને બિનવારસી હાલતમાં ડ્રગ્સના 11 પેકેટ મળ્યા

કચ્છના સરહદી ક્રીક વિસ્તારમાં BSFને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં ડ્રગ્સના 11 પેકેટ મળ્યા :Arabian Product’ લખાયેલા આ પેકેટનું કુલ વજન અંદાજે 1.2 કિલોગ્રામ

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયાઈ અને ક્રીક વિસ્તારમાં નશીલા પદાર્થો ઘુસાડવાના પાકિસ્તાની મનસૂબા વચ્ચે ફરી એકવાર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન હરામીનાળા કે સરહદી ક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 11 પેકેટ જપ્ત કર્યા છે. કચ્છના દરિયાકાંઠેથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહેતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

બીએસએફની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન જે 11 પેકેટો મળી આવ્યા છે, તે દરેક પર 'Arabian Product' (અરેબિયન પ્રોડક્ટ) એવું લખાણ લખેલું છે. આ તમામ પેકેટનું અંદાજિત વજન 1.2 કિલોગ્રામ જેટલું હોવાનું સામે આવ્યું છે. આ જપ્ત કરાયેલા ડ્રગ્સના પેકેટોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. દરિયાઈ મોજાના વહેણમાં તણાઈને આ જથ્થો ભારતીય સીમામાં ઘુસી આવ્યો હોવાની આશંકા છે.

છેલ્લા ઘણા સમયથી કચ્છના દરિયાકાંઠે અને ક્રીક સેક્ટરમાંથી સતત ચરસ અને હેરોઈન જેવા માદક પદાર્થોના પેકેટો મળી રહ્યા છે, જેને પગલે તમામ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. પાકિસ્તાન તરફથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા માફિયાઓ ભારતમાં આ જથ્થો પધરાવવા ફિરાકમાં હોય છે. આ ઘટના બાદ BSF, કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક મરીન પોલીસે સમગ્ર દરિયાઈ પટ્ટી પર રાઉન્ડ ધ ક્લોક સઘન સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ વધુ તેજ કરી દીધું છે.

(12:46 AM IST)