તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
કચ્છના નારાણપર ગામે કાર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત: બે યુવકોના કરૂણ મોતથી તંગદિલી, રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરી ગાડી સળગાવી
બેંક નજીક બનેલી દુર્ઘટના બાદ લોકોના ટોળા ઉમટ્યા: પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરાયો, અકસ્માત અને આગચંપી અંગે તપાસ શરૂ

ભુજ: કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નારાણપર ગામે તહેવારના દિવસે જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે હોબાળો મચી ગયો હતો. નારાણપર ગામમાં બેંક નજીક એક કાર અને બે બાઇક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બે યુવકોના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા હતા. તહેવારના ટાણે જ બે આશાસ્પદ યુવકોના અકાળે અવસાન થતાં મૃતક યુવકોના પરિવારજનો અને સ્થાનિક સમાજના લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
અકસ્માત બાદ ઉશ્કેરાટ, તોડફોડ અને આગચંપી અકસ્માતમાં બે યુવકોના મોતની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતાં ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. આટલું જ નહીં, આક્રોશિત લોકોએ એક ગાડીને આગને હવાલે કરી દેતાં વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ ધમધમાટ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક નારાણપર ગામે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલ પ્રશાસન દ્વારા અકસ્માતનું મૂળ કારણ જાણવા તેમજ ત્યારબાદ થયેલી તોડફોડ અને આગચંપીની ઘટના સંદર્ભે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
(8:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
