તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 4th May 2026
માંગરોળના દીવાસા નજીક ટ્રક-રિક્ષા વચ્ચે અકસ્માત : ટ્રકે હડફેટે લેતા રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત
રીક્ષાને જોરદાર ટક્કર મારી કે રીક્ષાના કુરચા ઉડી ગયા અને ચાલકે ક્ષણવારમાં દમ તોડી દીધો: હાઈવે પર વિખરાયેલા કાટમાળ અને મૃતાત્માથી સમગ્ર માંગરોળ પંથકમાં અરેરાટી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંએક હૃદયદ્રાવક અકસ્માત ની ઘટના સામે આવી છે. માંગરોળના દીવાસા ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે રિક્ષાને જોરદાર હડફેટે લીધી હતી. આ ગમખ્વાર અથડામણને કારણે રિક્ષામાં સવાર ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક પણ કાબુ ગુમાવીને રોડની નીચે ઉતરી ગયો હતો. આ અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ હનીફ કોતલ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક માંગરોળ શહેરના જ રહેવાસી હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એકાએક બનેલી આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાઈવે પર અકસ્માત સર્જાતા વાહનવ્યવહાર થોડા સમય માટે થંભી ગયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. હાલમાં અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
