તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં તુલસી વિવાહ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો : ભગવાન શાલિગ્રામની ભવ્ય જાન અને શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયા વિવાહ
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી યોજાયેલા આયોજનમાં ઢોલ-શરણાઈ અને આતશબાજી સાથે જાનનું સામૈયું કરાયું : કન્યાદાન તથા લગ્નવિધિમાં નીરવ દવે, અશોક થાનકી, રાજભા જેઠવા અને રાજભા ગઢવી સહિત મોટી સંખ્યામાં ભક્તજનો તથા ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા : તૃપ્તિબેન ધીરજભાઈ પંડિત અને ઊર્મિલાબેન સોલંકી પરિવાર મનોરથી બન્યા

પોરબંદર: સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલ સ્થિત શ્રીહરિ મંદિર ખાતે તુલસી માતાજી અને ભગવાન શાલિગ્રામનો વિવાહોત્સવ ભક્તિભાવ, ઉત્સાહ અને પરંપરાગત ધામધૂમ સાથે સંપન્ન થયો છે. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી આયોજિત આ મંગલ પ્રસંગે મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહીને આ પવિત્ર વિવાહના દર્શનનો લાભ લીધો હતો.
વાજતે-ગાજતે જાનનું આગમન અને સામૈયું:
શ્રીહરિ મંદિર ખાતે સાયં આરતી પૂર્ણ થયા બાદ વિશેષ શણગાર સજેલા લગ્નમંડપમાં કન્યાદાન વિધિ માટે નીરવ દવે, તેમનો પરિવાર અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પોરબંદર શહેરમાંથી ભગવાન શાલિગ્રામને વરરાજા સ્વરૂપે પધરાવીને શહેરના અગ્રણી રાજભા જેઠવા તથા અન્ય પરિવારો સાથે વાજતે-ગાજતે જાન જોડીને હરિમંદિરના પ્રાંગણમાં પહોંચી હતી. જાનૈયાઓએ આનંદ-ઉલ્લાસ સાથે ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી કરી હતી. ત્યારબાદ ઢોલ-શરણાઈના નાદ વચ્ચે કન્યાપક્ષના નીરવ દવે અને પરિવારજનોએ વરરાજા સ્વરૂપ ભગવાન શાલિગ્રામનું સામૈયું કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે જાન લઈને આવેલા શહેરના અગ્રણી રાજભા ગઢવી સહિતના અતિથિઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિ, ઉપહારો અને મનોરથી પરિવારની સેવા:
સ્વાગત વિધિ બાદ આકર્ષક રીતે સજાવેલા લગ્નમંડપમાં વરપક્ષ અને કન્યાપક્ષના મહેમાનો તેમજ સાંદીપનિ પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિનો શુભારંભ કરાયો હતો. શાસ્ત્રોક્ત વિધિ અને સામાજિક રીત-રિવાજ મુજબ મંગલ લગ્નગીતોના ગાન વચ્ચે ભગવાન શાલિગ્રામના માતા તુલસીજી સાથેના વિવાહ સંપન્ન થયા હતા. આ વિધિમાં નીરવ દવે અને અશોક થાનકી જોડાયા હતા અને સંપૂર્ણ લગ્નવિધિ પૂર્ણ કરી હતી. આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીજીને વિવિધ વસ્ત્રો તેમજ ઉપહારો અર્પણ કરાયા હતા. આ વિવાહવિધિના મનોરથી તરીકે તૃપ્તિબેન ધીરજભાઈ પંડિત તથા ઊર્મિલાબેન સોલંકી અને તેમના પરિવારે સેવા આપી હતી અને મનોરથીના પ્રતિનિધિ સ્વરૂપે સંપૂર્ણ વિધિ પાર પાડવામાં આવી હતી.
ઋષિકુમારો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભોજનપ્રસાદી:
આ મંગલ વિવાહોત્સવમાં સાંદીપનિ પરિવાર, પોરબંદરના ભક્તજનો અને ઋષિકુમારો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તુલસી વિવાહના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ ભાવિકોએ ભોજનપ્રસાદી ગ્રહણ કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
