તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
સુરેન્દ્રનગર વિસ્તારમાં રાજસ્થાનથી દારૂ લાવનાર બે ઝડપાયાઃ ૬૯૮ બોટલ કબ્જે

વઢવાણ, તા.૧૫: વણોદથી એછવાડા તરફ વિદેશી દારૂ ભરેલ ક્રેટા કાર નીકળનાર હોવાની બાતમી મળતા હાઈવે પર વીલ્સ ઈન્ડીયા કંપની પાસે વોચ રાખી હતી.જેમાં રાતના ૧-૩૦ કલાકે બાતમીવાળી ક્રેટા કાર નીકળતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે એછવાડા ગામ તરફ કાર ભગાવી હતી. જેમાં પોલીસે પીછો કરતા એછવાડા કેનાલ પાસે કાર મુકી તેમાંથી ૨ શખ્સો નાસવા લાગ્યા હતા. આથી પોલીસે પીછો કરી બન્નેને ઝડપી લીધા હતા. આ શખ્સોની પુછપરછ કરતા તેઓ રાજસ્થાનના ૨૧ વર્ષીય ભુવનેશ નરસીંગારામ ચૌધરી અને ૨૨ વર્ષીય સતારામ વેહનારામ જાટ હોવાનું જણાવ્યુ હતુ.
પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની નાની મોટી ૬૯૮ બોટલો મળી આવ્યા હતા. આ બન્નેની વધુ પુછપરછમાં આ દારૂ રાજસ્થાનથી હરીશ નામના શખ્સે ભરી આપ્યાનું કહ્યુ હતુ. આથી દારૂ, કાર અને ર મોબાઈલ સહિત રૂપીયા ૮,૩૯,૫૭૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજસ્થાનના હરીશને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ વી.જે.માલવીયા ચલાવી રહ્યા છે.
જયારે દસાડા તાલુકાના નગવાડા ગામના બોર્ડ પાસેથી ઝીંઝુવાડાનો ૪૭ વર્ષીય ગોવિંદસિંહ બાબુભા ઝાલા દારૂના ૮ ચપલા, બીયરના ૧૦ ટીન, જયુપીટર સહિત રૂપીયા ૧૬,૯૧૦ની મત્તા સાથે પકડાયો છે. આ દારૂ તે ઝીંઝુવાડાના રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાજદીપસિંહ ઝાલાને ઝડપી લેવા વધુ તપાસ એચસી આર.એમ.પરમાર ચલાવી રહ્યા છે
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
