તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ભાવનગરના આધેડને હનીટ્રેપમાં ફસાવી ત્રણ લાખ પડાવતી ગેંગના બે સાગરીતો ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૬: ભાવનગર શહેરમાં રહેતા એક આધેડ વયના નાગરિકને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપી લાખો રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેતી હનીટ્રેપ ગેંગનો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ફુલસર વિસ્તારમાંથી દરોડો પાડી ગુનામાં વપરાયેલી કાર સાથે સુરતના બે રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે, જ્યારે એક મહિલા સહિત ત્રણ સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર આ ગેંગની મહિલા સભ્યએ ફરિયાદી આધેડ સાથે ફેસબુક પર મિત્રતા કેળવી હતી. ત્યારબાદ ફરિયાદીને સાળંગપુર દર્શન કરવાના બહાને લઈ જવામાં આવ્યા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સાળંગપુર રોડ પર અગાઉથી ઘડાયેલા કારસા મુજબ કાળા રંગની વેરના કાર જીજે-૧૫-સીજે-૫૯૯૯) માં આવેલા ચાર શખ્સોએ ફરિયાદીની કાર રોકાવી હતી. આરોપીઓએ પોતે ‘‘અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ''ના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી હતી.
આરોપીઓએ ફરિયાદી પર ડ્રગ્સ અને ગાંજાના કારોબારમાં સંકળાયેલા હોવાનો તથા છોકરીને ભગાડી જવાનો ખોટો આક્ષેપ મૂકી ગંભીર પરિણામોની ધમકી આપી હતી. ત્યારબાદ સાગરીત મહિલાને પોતાની વેરના કારમાં બેસાડી દઈ, ફરિયાદીનું એન્કાઉન્ટર કરી નાખવાની ભીતિ બતાવી રૂ. ૭ થી ૮ લાખની વસૂલાતની માંગણી કરી હતી. ગભરાઈ ગયેલા આધેડે તાત્કાલિક રૂ. ૩,૦૫,૦૦૦/- ની વ્યવસ્થા કરીને આપતાં આરોપીઓ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં એલસીબી ની ટીમે તપાસ હાથ ધરી હતી. પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ને બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા શખ્સો ફુલસર સ્થિત સ્વામી નારાયણ મંદિર પાછળ વેરના કાર સાથે ઊભા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઇ લાઠીયા (ઉં.વ.૩૭, રહે. કામરેજ, સુરત; મૂળ ચલાલા,) અને રાજેશ ભીખાભાઇ કાથરોટીયા (ઉં.વ.૪૨, રહે. કામરેજ, સુરત; મૂળ ચલાલા, અમરેલી) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓએ પોતાના ગુનાની કબૂલાત કરી છે. વધુમાં, પકડાયેલા બંને શખ્સો રીઢા ગુનેગારો હોવાનું સામે આવ્યું છે. આરોપી ઘનશ્યામ વિરૂદ્ધ બગદાણા, કામરેજ, અમરોલી, વિવેકાનંદ, તારાપુર અને લાઠી પોલીસ સ્ટેશનમાં તોડબાજી, ધમકી અને દારૂ જેવા છ થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે રાજેશ કાથરોટીયા વિરૂદ્ધ પણ સરથાણા, વરાછા, કતારગામ, અમરોલી અને લાઠી પોલીસ સ્ટેશનમાં લૂંટ, વસૂલી અને બનાવટી ઓળખ ઊભી કરવા સહિતના ગુના નોંધાયેલા છે.
આ પ્રકરણમાં સામેલ અન્ય ત્રણ ફરાર આરોપીઓ રમેશ ઉર્ફે કાનો સાગરકા (રહે. પાદરડી, જૂનાગઢ), નિકુંજ સોલંકી (રહે. સુરત) અને વિલાસબેન વિપીનભાઇ પુરાણી (રહે. ફુલસર, ભાવનગર) ને ઝડપી લેવા પોલીસે જાળ બીછાવી છે.
આ સમગ્ર કામગીરી ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી ના પોલીસ ઇન્સપેક્ટર એચ.બી. ચૌહાણ, પીએસઆઇ આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા, વી.બી. ચૌધરી તથા એલસીબી ના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. અટકાયત કરાયેલા આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી અર્થે બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
