<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

જામજોધપુરથી ત્રણ વર્ષ પહેલાં ગુમ થયેલા બે બાળકોને સોશિયલ મીડિયાના આધારે શોધી કાઢતી જામનગર એએચટીયુ

ફેસબુક પર ફોટા સાથે પોસ્ટ મૂકી માહિતી આપનારને ઇનામની જાહેરાત કરાઈ : રાજકોટ જિલ્લાના ગવરીદળ ખાતેથી બંને બાળકોનો સુરક્ષિત કબજો મેળવાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૯ : જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2023થી ગુમ થયેલા બે બાળકોને જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે.

 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS)ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી ગુમ થયેલા તથા અપહરણ થયેલા સગીર બાળકોને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર AHTUના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલ તથા ઇન્ચાર્જ પીઆઈ એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

 

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 11202026230707/2023 અન્વયે 14 વર્ષીય મનોજ અને ગણેશ નામના બે બાળકો ગુમ થયા હતા. લાંબા સમયથી ભાળ ન મળતા AHTUના ASI રણમલ કારાભાઈ ગઢવીએ એક નવતર પ્રયાસ કર્યો હતો.

 

ASI રણમલ ગઢવીએ તા. 23 ઓક્ટોબર, 2026ના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટ પર બંને બાળકોના ફોટોગ્રાફ્સ સાથે પોસ્ટ મૂકી હતી અને માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

 

આ પોસ્ટ વાયરલ થતાં મળેલી ચોક્કસ બાતમીના આધારે બંને બાળકો રાજકોટ જિલ્લાના ગવરીદળ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. બાતમી મળતાની સાથે જ AHTUની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તા. 28 ઓક્ટોબર, 2026ના રોજ બંને બાળકોને શોધી કાઢી સુરક્ષિત રીતે કબજામાં લીધા હતા અને જામનગર લાવી બાળ ઓબ્ઝર્વેશન હોમ ખાતે સુપરત કર્યા હતા.

 

આ સફળ કામગીરીમાં PI વી.એસ. પટેલ, ઇન્ચાર્જ PI એન.બી. ડાભી, ASI રણમલભાઈ ગઢવી તથા ASI રાજદીપસિંહ ઝાલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

(4:26 PM IST)