News of Thursday, 26th November 2026
કચ્છની પશ્ચિમી દરિયાઈ સીમાએ બે દિવસીય ‘સાગર કવચ’ કવાયતનો પ્રારંભ: લખપતથી કોટેશ્વર સુધી સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં: મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ, મંદિરોના પ્રવેશદ્વારો પર નજર અને દરિયામાં બોટોની સઘન તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : કચ્છના અરબ સાગર વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા બે દિવસીય ‘સાગર કવચ’ કવાયતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષે ઠંડીની શરૂઆતના સમયગાળામાં યોજાતી આ કવાયત બુધવારથી શરૂ થઈ ગુરુવારની સાંજ સુધી ચાલશે. કવાયત અંતર્ગત લખપતથી લઈને સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે.
નારાયણ સરોવર વિસ્તારના પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બુધવારે વહેલી સવારથી જ કોટેશ્વર, નારાયણ સરોવર તેમજ લખી નાળા સહિતના મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નારાયણ સરોવર અને કોટેશ્વરનાં મુખ્ય મંદિરોના પ્રવેશદ્વારો પર પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરિયાઈ વિસ્તારમાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. દરિયામાં અવરજવર કરતી તમામ બોટો પર સતત વોચ રાખવાની સાથે બોટોની તપાસ કરવામાં આવી રહી છે. માછીમારોના જરૂરી દસ્તાવેજો તેમજ બોટમાં રહેલા જીવનજરૂરી આધાર-પુરાવાઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
બુધવારે મોડી રાત સુધી કોટેશ્વર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવામાં આવી હતી. બે દિવસીય ‘સાગર કવચ’ કવાયત અંતર્ગત બુધવારની મધ્યરાત્રિ તેમજ ગુરુવારનો દિવસ સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કવાયત દરમિયાન વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત પેટ્રોલિંગ અને સંકલન જળવાઈ રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર કચ્છના દરિયાકાંઠે તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
