News of Thursday, 5th November 2026
સાઇડ બાબતે સાયલા પંથકમાં બે ખેડૂતો ઉપર હૂમલોઃ વાહનમાં તોડફોડ

વઢવાણ તા.૫: સાયલા તાલુકાના ઉંડવાના પુલ નજીક સાઇડ આપવા જેવી સામાન્ય બાબતે અજાણ્યા કાળા રંગની કારના ચાલકે બોલેરો પિકઅપમાં જઈ રહેલા બે ખેડૂતો પર લાકડી વડે હુમલો કરી વાહનમાં તોડફોડ કરતાં બંનેને ગંભીર ઇજા પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બાબતે ઓવનગઢ ગામના છનાભાઈ ઉર્ફે સુનાભાઈ રવજીભાઈ સરવૈયા તથા સેજકપરના દેવાભાઈ જેમાભાઈ માંડાણી કપાસ ભરેલી બોલેરો પિકઅપ લઈને બોટાદ માર્કેટ યાર્ડ જઈ રહ્યા હતા. રાત્રે ઉંડવાના પુલ નજીક અજાણ્યા કાળા રંગની ફોરવ્હીલ ગાડીના ચાલક સાથે સાઇડ આપવા બાબતે બોલાચાલી થઈ હતી.
અજાણ્યા ગાડીના ચાલકે પોતાની ગાડી ભટકાવી લાકડી વડે બંને ખેડૂતો ઉપર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ દેવગઢ નજીક ફરી ગાડી રોકી બોલેરોના આગળના કાચ, હેડલાઇટ અને બોનેટમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાથી બચવા બંને ખેડૂતો ખેતરમાં બાવળની વાડમાં સંતાઈ ગયા હતા.
કલાકો બાદ બહાર આવીને પોતાના સંબંધીને ત્યાં ખેડૂતો ગયા હતા અને શરીરના ભાગે દુખાવો થતાં સુદામડા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાતા છનાભાઈના હાથમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું. જ્યારે દેવાભાઈના હાથમાં ગંભીર ઇજા થતાં ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
