<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ગાંધીધામથી બાઇક ઉપર મોગલધામ દર્શને જઈ રહેલા બે મિત્રોના ટ્રક હડફેટે કરૂણ મોત

ગાંધીધામથી કબરાઉ દર્શને જતા હતા, નંદગામ ભચાઉ નજીક નડ્યો અકસ્માત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : ગાંધીધામથી કબરાઉ સ્થિત મોગલધામ માતાના મંદિરે દર્શન કરવા જઈ રહેલા બે મિત્રોનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. રાત્રે નંદગામ-વરમાણાના પુલિયા ઉપર આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી પાર્થ આત્મારામ મકવાણા અને તેના મિત્રો દર્શન પરમાર, રમેશ ઉર્ફે જીગો ભુરાભાઈ રબારી તથા દિનેશ પૂજાભાઈ આહીર મોટરસાઇકલ લઈને ગાંધીધામથી કબરાઉ મોગલધામ દર્શને નીકળ્યા હતા. રાત્રિના સમયે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નંદગામ-વરમાણા પુલિયા ઉપર ગાંધીધામથી ભચાઉ તરફ જઈ રહેલા ટ્રકના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્મતમાં બાઇક પર સવાર ૧૭ વર્ષીય રમેશ ઉર્ફે જીગો ભુરાભાઈ રબારી અને ૧૭ વર્ષીય દિનેશ પૂજાભાઈ આહીરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રામબાગ હોસ્પિટલ, આદિપુર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:23 AM IST)