તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
ભાવનગરમાં ‘જય રામાધણી'ગ્રુપ બનાવી અધિકારીઓની રેકી કરતા બે શખ્સ ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૩૧: ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજની હેરાફેરી કરતા તત્વોને સરકારી તંત્રની તપાસથી બચાવવા માટે અધિકારીઓની હિલચાલની બાતમી આપતું વોટ્સએપ ગ્રુપ ચલાવાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે ભાવનગર ગ્રામ્ય મામલતદાર અન પ્રાંત અધિકારીના ચાર્જમાં રહેલા એમ.ડી. પરમાર દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગત તા. ૨૬ ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે જૂની કલેક્ટર કચેરીના દરવાજા પાસે બે શખ્સો હોન્ડા મોટરસાઇકલ પર શંકાસ્પદ રીતે વોચ રાખતા જોવા મળ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એલ.સી.બી.ના કોન્સ્ટેબલ જયપાલસિંહ ગોહિલે સ્થળ પર જઈને ભગીરથસિંહ નરેન્દ્રસિંહ વાળા અને રોહિતભાઈ અભુભાઈ રાઠોડની પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન ભગીરથસિંહે કબૂલાત કરી હતી કે તેણે ‘જય રામાધણી' નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં ખનિજ ખોદકામ અને હેરાફેરી સાથે સંકળાયેલા અનેક લોકોને જોડવામાં આવ્યા છે. આ ગ્રુપમાં તે સરકારી અધિકારીઓની અવરજવર અંગે ઓડિયો મેસેજ દ્વારા અગાઉથી માહિતી આપતો હતો, જેથી ખનિજ માફિયાઓ સતર્ક થઈ જાય અને તપાસથી બચી શકે.
વધુમાં, આ કામગીરીના બદલામાં તે ગ્રુપના દરેક સભ્ય પાસેથી દર મહિને રૂ. ૧,૦૦૦ વસૂલતો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીઓ સરકારી અધિકારીઓની રેકી કરી ખનિજ માફિયાઓને ગેરકાયદેસર પ્રવળત્તિ ચાલુ રાખવામાં મદદ કરતા હોવાનું સામે આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
