તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ધ્રોલ પાસે અકસ્માતમાં મિત્રની ખબર કાઢવા જતા લૈયારાના ૨ ના મોત
ધ્રોલના સણોસરા પાટિયા પાસે કાળમુખો અકસ્માતઃ જામનગર-રાજકોટ હાઈવે પર બેફામ દોડતી અર્ટિગા કારે બાઈકને હડફેટે લીધું: હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને વડીલોએ દમ તોડ્યો, લૈયારા ગામમાં અરેરાટી સાથે શોકની કાલિમા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૯: ધ્રોલ-જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા સણોસરા ગામના પાટિયા પાસે એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. પોતાના મિત્રના ખબર-અંતર પૂછવા જઈ રહેલા ધ્રોલ તાલુકાના લૈયારા ગામના બે વયવળદ્ધ મિત્રોના સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર પંથક અને લૈયારા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, ધ્રોલ તાલુકાના લૈયારા ગામે રહેતા નટુભા સિદ્ધુભા જાડેજા (ઉં.વ.૬૪) તથા તેમના જ ગામના તરસીભાઈ કુરજીભાઈ શિંગાળા (ઉં.વ.૬૭) બંને જણા સણોસરા ગામે રહેતા પોતાના મિત્ર બાબુભા જાડેજાના ખબર-અંતર પૂછવા માટે મોટરસાઈકલ લઈને નીકળ્યા હતા. સવારે આશરે સાડા દસેક વાગ્યાના સુમારે તેઓ જ્યારે સણોસરા ગામના પાટિયા પાસે પહોંચી ગામ તરફ વળી રહ્યા હતા, ત્યારે જામનગર તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી એક અર્ટિગા કારના ચાલકે તેમના મોટરસાઈકલને પાછળથી જોરદાર ફટકાર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરને કારણે બંને વડીલો રોડ પર ફેંકાઈ જતાં તેમને માથાના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર, લોહીલુહાણ ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિક લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નટુભાઈ અને તરશીભાઈને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બપોરના એકાદ વાગ્યાની આસપાસ તરશીભાઈ કુરજીભાઈ શિંગાળાનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી તરફ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ રહેલા નટુભા સિદ્ધુભા જાડેજાનું પણ સારવાર બાદ અવસાન થતાં આ દુર્ઘટનામાં મળત્યુઆંક બે થયો છે. બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે. એકસાથે ગામના બે વડીલોના કરૂણ મોતથી લૈયારા ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
