તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે તળાવમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત
અમદાવાદથી માતાજીના માંડવે આવ્યા હતાઃ ૪૪-૪૫ ડિગ્રીની આકરી ગરમીથી બચવા તળાવમાં પડેલા ૯માંથી ૭નો બચાવ, બેના મોતઃ ગામમાં શોકનો માહોલ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે એક દુઃખદ ઘટના બની છે. ગામના તળાવમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આ યુવકો અમદાવાદથી માતાજીના માંડવે ભાગ લેવા આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી સુરેન્દ્રનગર જિલ્લામાં બપોરે ૪૪ થી ૪૫ ડિગ્રી તાપમાન થઈ જતાં લોકો આકરી ગરમીથી અકળાઈ ઊઠ્યા છે. ગરમીથી બચવા લોકો તળાવ કે કેનાલમાં નાહવા માટે પડતા હોય છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી કુલ ૯ જેટલા યુવકો ગાજણવાવ ગામે માતાજીના માંડવામાં ભાગ લેવા આવ્યા હતા.
ગરમીના કારણે તેઓ ગામના તળાવમાં નાહવા પડ્યા હતા. નાહવા પડેલા ૯ યુવકોમાંથી ૭ યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે એક યુવક અને એક સગીર પાણીમાં ગરકાવ થઈ જતાં ઘટનાસ્થળે જ મળત્યુ પામ્યા હતા. મળતક યુવકોની ઓળખ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મોહિત છાસીયા (ઉંમર ૧૯ વર્ષ) અને રચિત દિલીપભાઈ (ઉંમર ૧૭ વર્ષ) તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ૧૦૮ ના માધ્યમથી બંને મળતકોને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ દુઃખદ ઘટનાથી ગાજણવાવ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉનાળામાં તળાવ કે નદીમાં નાહવા જતાં પહેલાં તકેદારી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવીછે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
