તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 7th November 2026
ભુજની વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં ‘ઉડાન’ વાર્ષિકોત્સવ સંપન્ન : ૮૦૦ વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને વિજ્ઞાન પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યા
દરેક બાળકમાં અભ્યાસ, રમત-ગમત, સંગીત, નૃત્ય કે કલા-સર્જનાત્મકતા જેવી કોઈને કોઈ વિશેષ શક્તિ રહેલી જ છે, જરૂર માત્ર તેને ઓળખી સખત મહેનતથી વિકસાવવાની છે ધીરજ અને આત્મવિશ્વાસ રાખશે તેને સફળતા પ્રાપ્ત થાય છે તેવો ગુરુ મંત્ર ધારાસભ્ય કેશુભાઈ પટેલે આપ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ : જ્ઞાન, સંસ્કાર અને કલાના ત્રિવેણી સંગમ સમાન વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ, ભુજનો વાર્ષિકોત્સવ ‘ઉડાન’ ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. રંગબેરંગી રોશનીથી સજ્જ શાળા પ્રાંગણમાં કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વિદ્યાની આરાધના સાથે કરવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમનું સ્વાગત સન્માન શાળાના કે.કે. હિરાણી (સેક્રેટરી, એડવોકેટ એન્ડ નોટરી) દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે યોગેન્દ્ર સિંહ રાઠોડ (ડી.આઈ.જી. એસ. એચ. ક્યુ – બી.એસ.એફ.) ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સ્વાગત કરાયું હતું.
મુખ્ય અતિથિ . ધારાસભ્ય શ્રી પટેલે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે,
“આ વર્ષનો વાર્ષિકોત્સવ તમારી પ્રતિભા, મહેનત અને આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે. દરેક બાળકમાં અભ્યાસ, રમત-ગમત, સંગીત, નૃત્ય કે કલા-સર્જનાત્મકતા જેવી કોઈને કોઈ વિશેષ શક્તિ રહેલી જ છે, જરૂર માત્ર તેને ઓળખી સખત મહેનતથી વિકસાવવાની છે . જે ધીરજ અને આત્મવિશ્વાસ રાખશે તેને સફળતા પ્રાપ્ત થાય છે. તેવો ગુરુ મંત્ર કેશુભાઈએ આપ્યો હતો.
શાળાના ચેરમેન ગોપાલભાઈ ગોરસીયાએ કરેલી મહેનતને બિરદાવી તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, “મોટાં સપનાં જુઓ, મહેનતથી તેને સાકાર કરો, આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને જીવનમાં એવા બનો કે તમારા માતા-પિતા, શિક્ષકો, શાળા અને દેશને તમારા પર ગર્વ થાય. વિદ્યાર્થીઓને માતા-પિતા અને શિક્ષકોનું સન્માન કરવા, સમયનો સદુપયોગ કરવા, સારા મિત્રો બનાવવા અને હંમેશાં સત્યના માર્ગે ચાલવાની સલાહ પણ ધારાસભ્યએ આપી હતી. માત્ર સારા ગુણ મેળવવા પૂરતું નહીં, પરંતુ એક સારા માનવી બનવાનો સંકલ્પ કરવા પણ તેમણે આહ્વાન કર્યું હતું.
શિક્ષણ જગતમાં ચમકતા, બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ અંકો મેળવનાર તથા રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના આ પ્રસંગે મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી ઓવારણા લેવાયા હતા. શાળાના આચાર્ય દીપેન વૈદ્ય દ્વારા શાળાનો વાર્ષિક પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
વાર્ષિકોત્સવનું મુખ્ય આકર્ષણ શાળાના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો સાંસ્કૃતિક કાર્યક્રમ રહ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, શાસ્ત્રીય નૃત્યો, લોકનૃત્યો, પૌરાણિક શિવકથા, રામાયણ અને હનુમાન ચાલીસા પર નૃત્ય નાટિકા રજૂ કરાઈ હતી. મહિલા સશક્તિકરણને રજૂ કરતું ‘ચારણકન્યા’ તથા ‘ભ્રષ્ટાચાર’ જેવા નાટકો રજૂ કરીને ઉપસ્થિત જનમેદનીને છટરોએ મંત્રમુગ્ધ કર્યા હતા.
શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા યોજાયેલા વિજ્ઞાન પ્રદર્શનમાં પર્યાવરણ સંરક્ષણ, રીન્યુએબલ એનર્જી, સ્માર્ટ સિટી, રોબોટિક્સ, અર્થક્વેક, રેઇન, ફાયર ડિટેક્ટર, મેજિક વિથ નંબર્સ, મિનિમલ એનર્જી કૂલ ચેમ્બર, પ્યોરિટી ઓફ ફૂડ અને સોર્સિસ ઓફ હિસ્ટ્રી જેવા આધુનિક થીમ આધારિત મોડેલ્સ રજૂ કરાયા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા "લર્નિંગ બાય અર્નિંગ" કાર્યક્રમ હેઠળ વિવિધ વાનગીઓના આકર્ષક ખાણી-પીણી ના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા હતા. શાળાના ચેરમેન ગોપાલભાઈ ગોરસીયા અને આચાર્ય દીપેન વૈદ્યના સહયોગ અને શિક્ષકગણની જહેમતની આ અવસરે ખાસ નોંધ લઈને તેમના આ પ્રદાનની સરાહના કરાઈ હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
