<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ઉનાઃ જૂના સરકારી રેકોર્ડમાં ચેડાં કરીને વિધવાના નામનો પ્‍લોટ વેચી નાખ્‍યો?

તલાટીકમ મંત્રી સહિત જવાબદારો સામે પોલીસ ફરિયાદઃ પોતાની માલિકીનો પ્‍લોટ પરત અપાવવાની માગણીઃ તપાસ બાદ સત્‍યતા બહાર આવશે

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૨: તાલુકાના ધોકડવા ગામમાં પ્‍લોટ કૌભાંડ! ૩૦ વર્ષ જૂના સરકારી રેકોર્ડમાં કથિત ચેડાં કરી વિધવાના નામનો પ્‍લોટ વેચી દીધાનો આક્ષેપ સાથે ગીર ગઢડા પોલીસ સ્‍ટેશનમા વિધવા મહિલા એ તત્‍કાલીન તલાટી કમ મંત્રી અને મગન ભાઈ મનુભાઈ ઢોલા સહિત જવાબદારો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરીયાદી  રેખાબેન વિરજીભાઇ વાઘેલા ઉ.૭૫ રે ધોકડવા તા.જી. ગીર ગઢડા પોલીસ સ્‍ટેશન મા ફરિયાદ બાદ કે ધોકડવાના  મગનભાઈ મુળુભાઈ ઢોલા, અને તે સમયના તત્‍કાલીન તલાટી કમ મંત્રી તથા તપાસ દરમિયાન સામે સરકારી રેકર્ડમાં ચેડાનું આવતા અન્‍ય જવાબદારો સામે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ફરિયાદી રેખાબેન વીરાજીભાઈ વાઘેલા (ઉં. ૭૫), રહેવાસી ધોકડવા ગામે પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું છે કે વર્ષ ૧૯૯૬માં ધોકડવા ગામના સર્વે  નવા ગામતળમાં તેમને ૧૪૩.૨૯ ચોરસ મીટરનો પ્‍લોટ ફાળવવામાં આવ્‍યો હતો. આ ફાળવણી ગામ નમૂનાની નોંધ તથા તાલુકા નોંધ  નોંધાયેલી હતી. બાદમાં પરિવારિક સંજોગોને કારણે તેઓ કેટલાક વર્ષો માટે વતન સિદ્ધપુર ખાતે રહેવા ગયા હતા.

આ ફરીયાદમાં રેખાબેન વાઘેલાએ જણાવેલ કે વર્ષ ૨૦૨૪ દરમિયાન તેઓ પોતાના પ્‍લોટ પર પહોંચ્‍યા ત્‍યારે ત્‍યાં ગીતાબેન દ્વારા બાંધકામ ચાલી રહ્યું હોવાનું જોવા મળ્‍યું હતું. વિરોધ કરતાં ગીતાબેને આ પ્‍લોટ મગનભાઈ મુળુભાઈ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્‍યું હતું. ત્‍યારબાદ ફરિયાદી તલાટી કમ મંત્રી પાસે પહોંચ્‍યા ત્‍યારે પણ પ્‍લોટ મગનભાઈના નામે હોવાનું જણાવાયું હતું.

આ ઘટનાથી શંકા જતાં ફરિયાદી તથા તેમના પરિવારજનોએ જૂના સરકારી રેકોર્ડ અને ગામ નમૂના નં. ૨ની નકલો મેળવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફરિયાદ મુજબ, મૂળ નોંધમાં ફરિયાદીના નામ પર ચેકો મારી મગનભાઈ મુળુભાઈ ઢોલાનું નામ દાખલ કરવામાં આવ્‍યું હતું અને બાદમાં પ્‍લોટ ગીતાબેન રાજુભાઈ વાઢેરના નામે દર્શાવવામાં આવ્‍યો હતો. આ સમગ્ર પ્રક્રિયા ફરિયાદીની જાણ બહાર કરવામાં આવી હોવાનો પોલીસ ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્‍યો છે. આ પોલીસ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે સરકારી રેકોર્ડમાં કથિત ખોટી નોંધો કરીને પ્‍લોટની માલિકી બદલવામાં આવી અને ત્‍યારબાદ ખોટા દસ્‍તાવેજોના આધારે વેચાણ કરવામાં આવ્‍યું. આ મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પોતાનો પ્‍લોટ પરત અપાવવાની માંગણી ફરિયાદીએ કરી છે.

ગીર ગઢડા પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૩૭, ૨૦૧ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન તે સમયના સરકારી રેકોર્ડ, ગામ નમૂના, દસ્‍તાવેજી પુરાવા અને સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલાની સત્‍યતા હવે પોલીસ તપાસ બાદ સ્‍પષ્ટ થશે. હાલ ગીર ગઢડા પોલીસ સ્‍ટેશન ના પી.એસ.આઇ.એન.આર. વાઘેલા કરી રહ્યા છે

(11:27 AM IST)