તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
ભારત સંવાદ શ્રેણી અંતર્ગત પ્રો. ડૉ. સંજીવ કુમાર શર્મા એ ભારતીય શાસન વ્યવસ્થાની ભારતીય દૃષ્ટિ અને પદ્ધતિ વિષય પર ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો
શાસન વ્યવસ્થામાં લોકહિત સર્વોપરી છે. ન્યાય સમયસર મળવો જોઈએ, દુષ્ટને યોગ્ય દંડ મળવો જોઈએ, રાજ્યની આવક ન્યાયપૂર્ણ રીતે વધારવી જોઈએ, રાષ્ટ્રની સુરક્ષા અને દરેક નાગરિક પ્રત્યે સમાન ભાવ રાખવો એ સુશાસનના મુખ્ય આધારસ્તંભો છે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભારતને ભારતીય દૃષ્ટિકોણથી સમજવા અને ભારતીય જ્ઞાન પરંપરાના આધારે સુશાસનની સંકલ્પનાને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી ભારતીય વિચાર મંચ, ભાવનગર કેન્દ્ર તથા મહર્ષિ અરવિંદ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે "Indic Perspectives on Governance (શાસન વ્યવસ્થાની ભારતીય દૃષ્ટિ અને પદ્ધતિ)" વિષયક વૈચારિક ગોષ્ઠિનું આયોજન ઝવેરચંદ મેઘાણી મિની થિયેટર, ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રો. (ડૉ.) સંજીવ કુમાર શર્મા ઉપસ્થિત રહ્યા હતા જેઓ મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી, બિહાર ના પૂર્વ કુલપતિ અને યોગક્ષેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભારત સ્ટડીઝના ચેરમેન છે. તેમણે ભારતીય શાસન વ્યવસ્થાના મૂળ તત્ત્વોને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને દાર્શનિક દૃષ્ટિકોણથી સરળ અને પ્રેરણાદાયી રીતે પ્રસ્તુત કર્યા. તેમણે જણાવ્યું કે ભારતીય પરંપરામાં શાસનનો હેતુ સત્તા પ્રાપ્ત કરવાનો નહીં, પરંતુ લોકકલ્યાણ અને રાષ્ટ્રકલ્યાણનો છે. ભારતીય વિચારધારામાં રાજા પ્રજાનો પાલક છે, શાસકનું કર્તવ્ય પિતાની જેમ પ્રજાનું રક્ષણ અને કલ્યાણ કરવાનું છે. ભારતીય શાસન પદ્ધતિ ધર્મ, ન્યાય, કર્તવ્ય અને સંવેદનશીલતાના સિદ્ધાંતો પર આધારિત છે. વિશ્વની સૌથી જૂની લોકશાહી તરીકે આપણને કહેવામાં આવેલી ગ્રીસમાં પ્રખર દાર્શનિક સુકરાતને લોકશાહીની રીતે બહુમત દ્વારા ઝેર પીવાની સજા આપવામાં આવી હતી. જેની સામે ભારતની રાજાઓ આધારિત રાજવ્યવસ્થાને વખોડવી એ ગેરવ્યાજબી ગણાવી હતી.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને ભારતીય દૃષ્ટિકોણથી સમજવાની આજે વિશેષ જરૂરિયાત છે. તેમણે સંસ્કૃત સાહિત્યના વૈશ્વિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર જેવા ગ્રંથોના અનેક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયા છે, જે ભારતીય જ્ઞાન પરંપરાની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. સાથે જ તેમણે અંગ્રેજોની "White Man's Burden" જેવી વિચારધારાની ચર્ચા કરતાં જણાવ્યું કે આ વિચાર દ્વારા ભારતની સંસ્કૃતિ અને જ્ઞાનને હલકું દર્શાવવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે.
પ્રો. શર્માએ જણાવ્યું કે શાસન વ્યવસ્થામાં લોકહિત સર્વોપરી છે. ન્યાય સમયસર મળવો જોઈએ, દુષ્ટને યોગ્ય દંડ મળવો જોઈએ, રાજ્યની આવક ન્યાયપૂર્ણ રીતે વધારવી જોઈએ, રાષ્ટ્રની સુરક્ષા અને દરેક નાગરિક પ્રત્યે સમાન ભાવ રાખવો એ સુશાસનના મુખ્ય આધારસ્તંભો છે. તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થોને ભારતીય જીવનદર્શન અને શાસન વ્યવસ્થાના આધારરૂપ ગણાવ્યા.
તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ, વિનમ્રતા, સર્વસમાવેશક વિકાસ, રાજધર્મનું પાલન અને ભવિષ્યમુખી દૃષ્ટિ એ ભારતના શાસનના મૂળભૂત મૂલ્યો છે. ભારતીય પરંપરામાં શાસન માત્ર વહીવટ નહીં, પરંતુ મૂલ્યઆધારિત જીવનશૈલી છે.કાર્યક્રમમાં ભાવનગરના પ્રબુદ્ધજનો, શિક્ષણવિદો, પ્રાધ્યાપકો, સંશોધકો, કાર્યકર્તાઓ તથા નાગરિકો બહેનો, ભાઈઓ એ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
અંતે પ્રશ્નોત્તરી યોજાઈ હતી જેમાં ઉપસ્થિતોએ ભારતીય શાસન વ્યવસ્થાના વિવિધ પાસાઓ અંગે જિજ્ઞાસાઓ વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં ભારતીય વિચાર મંચની પ્રવૃત્તિ વિશે કેન્દ્રના મંત્રી દિપલભાઈ ભટ્ટે વાત કરી હતી. કેન્દ્રના અધ્યક્ષ અને પ્રાંત ટીમના સદસ્ય ડૉ. ગિરીશભાઈ વાઘાણીએ પ્રસ્તાવિક રજૂ કર્યું હતું . આ પ્રસંગે મહર્ષિ અરવિંદ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી કેતનભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. માનસીબેન ત્રિવેદીએ અને આભાર દર્શન શ્રીમતી માધવીબેન ત્રિવેદીએ કરી હતી.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
