News of Saturday, 1st August 2026
જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી બી.યુ. જાડેજાના માર્ગદર્શનમાં પીઆઈ એમ.એન. જાડેજાની સફળ કામગીરી : પોરબંદરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર નિરવ મહેશભાઈ રાવલ ઝડપાયો
એસઓજી હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ અને દિલીપભાઈ મોઢવાડીયાની બાતમીથી શ્યામા ક્લિનિક પર દરોડો : ૧૨,૪૬૯ રૂપિયાના એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને રોકડ મુદ્દામાલ સાથે આરોપી સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર: પોરબંદર જિલ્લામાં માનવ જિંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની શૈક્ષણિક લાયકાત કે મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને શોધી કાઢી તેઓની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. જાડેજા અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન એસઓજી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ કે. ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ જેઠાભાઈ મોઢવાડીયાને ચોક્કસ અને બાતમી મળી હતી કે, પોરબંદરના જ્યુબિલી બોખીરા રોડ પર આવેલ તિરુપતિ બાલાજી મંદિર પાસે 'શ્યામા ક્લિનિક' નામના દવાખાનામાં નિરવ મહેશભાઈ રાવલ નામનો ઈસમ કોઈપણ પ્રકારની અધિકૃત મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને દર્દીઓને એલોપેથિક દવાઓ આપી રહ્યો છે.
બાતમીના આધારે એસઓજી ટીમે તુરંત દરોડો પાડીને પોરબંદરના શીતલા ચોક, જૂના જલારામ મંદિર પાસે રહેતા ૪૦ વર્ષીય આરોપી નિરવ મહેશભાઈ રાવલને ઝડપી લીધો હતો. ક્લિનિકની તપાસ દરમિયાન તેના કબજામાંથી અલગ-અલગ પ્રકારની એલોપેથિક કેપ્સૂલ, ઇન્જેક્શનો, વિવિધ દવાઓ, મેડિકલ તપાસણીના સાધનો તેમજ દર્દીઓ પાસેથી ફી પેટે મેળવેલા રોકડા રૂપિયા મળીને કુલ ૧૨,૪૬૯ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે કાયદેસરનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. જાડેજા સાથે એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દીપકભાઈ ડાકી, રવીન્દ્રભાઈ ચાંઉ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહીલ, ભીમાભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર, મોહિતભાઈ ગોરાણીયા, અરજનભાઈ ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી તથા ચંદ્રસિંહ જાડેજા જોડાયા હતા.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
