તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બીઝનેસ હેલ્થ ચેકઅપ વિષય અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજાયો
વેચાણમાં ઘટાડો, નફામાં ઘટાડો, ગ્રાહકોની ફરિયાદો, કર્મચારીઓની નિષ્ક્રિયતા અને વધતી સ્પર્ધા જેવા સંકેતોને અવગણવા નહિ પરંતુ સમયસર ઓળખીને યોગ્ય ઉપચાર કરવો જોઈએ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભાવનગર અને સીઇડી-ભાવનગરના સંયુક્ત ઉપક્રમે બીઝનેસ હેલ્થ ચેકઅપ વિષય અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં સીઇડીના ડેપ્યુટી મેનેજર ડો.વિમલભાઈ જગડે શાબ્દિક સ્વાગતની સાથે સાથે સીઇડી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિષે વિસ્તૃત જાણકારી આપેલ.
પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તેજસભાઈ શેઠએ જણાવેલ કે જયારે આપણી તબિયત થોડી પણ બગડે છે અથવા તો આપણે નિયમિત રીતે વર્ષમાં એકાદવાર આપણું બોડી ચેકઅપ કરાવીએ છીએ. શા માટે? જેથી કોઈ નાની બીમારી મોટું સ્વરૂપ ન લઇ લે, પરંતુ જે બીઝનેસને તમે તમારા લોહી-પરસેવાથી સીંચ્યો છે. જે તમારી રાત- દિવસની મહેનતનું પરિણામ છે- શું તમે ક્યારેય એ બીઝનેસનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે? મોટા ભાગના બીઝનેસ ઓનર્સ એવું વિચારે છે કે જો કંપની નફો કરી રહી છે તો બધું બરાબર છે. પણ જેમ એક વ્યક્તિ બહારથી સ્વસ્થ દેખાતી હોય પણ અંદર કોઈ સાયલન્ટ બીમારી હોય શકે, તેમજ એક બીઝનેસ બહારથી સારો ચાલતો હોય પણ અંદર ઓપરેશનલ કે ફાયનાન્સીયલ ખામીઓ હોય શકે છે. આ સેમિનારમાં મળનાર માર્ગદર્શનનો પુરતો લાભ લઇ તમારા વેપાર-ઉદ્યોગને ગતી મળે અને વિશેષ પ્રગતી થાય તેવી ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવેલ.
પ્રાસંગિક પ્રવચનમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભાવનગરના જનરલ મેનેજર એસ.બી. ભાટિયાએ વેપાર-ઉદ્યોગની વિશેષ પ્રગતી થાય તે હેતુથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ વિષયો અંતર્ગત માર્ગદર્શન સેમીનારો યોજવામાં આવે છે તેમ જણાવેલ જેનો વધારેમાં વધારે લાભ લેવામાં આવે તેવી અપીલ કરી હતી. વિશેષમાં તેઓએ જણાવેલ કે ગુજરાત સરકારશ્રીની વર્તમાન ઉદ્યોગો માટે ઘણી સ્કીમો અમલમાં છે તેનો લાભ લઇ ઉદ્યોગ સાહસિકો પોતાના ઉદ્યોગને વિશેષ પ્રગતિ તરફ લઇ જઈ શકે છે. કેન્દ્ર સરકારની પીએમઈજીપી સ્કીમ પણ શરૂ થઇ ગયેલ છે આથી તેનો પણ લાભ લઇ શકે છે. તેઓએ ઉદ્યોગ સાહસિકોને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીની મુલાકાત લેવા અનુરોધ કરેલ.
નિષ્ણાંત વક્તા ડો.ભરતભાઈ વાઘેલાએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે આજના ઝડપથી બદલાતા સ્પર્ધાત્મક વ્યાવસાયિક યુગમાં માત્ર સારી પ્રોડક્ટ અથવા સેવા પુરતી નથી, વ્યવસાયના દરેક પાસાની સમયાંતરે સમીક્ષા અને સુધારણા અનિવાર્ય બની ગઈ છે. જેમ વ્યક્તિ પોતાના સ્વાસ્થ માટે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવે છે તેવી જ રીતે વ્યવસાયનું પણ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું એટલુ જ જરૂરી છે. વેચાણમાં ઘટાડો, નફામાં ઘટાડો, ગ્રાહકોની ફરિયાદો, કર્મચારીઓની નિષ્ક્રિયતા અને વધતી સ્પર્ધા જેવા સંકેતોને અવગણવા નહિ પરંતુ સમયસર ઓળખીને યોગ્ય ઉપચાર કરવો જોઈએ તેમ જણાવેલ.
સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન સીઇડીના કોઓર્ડીનેટર ધનશ્યામસિંહ સરવૈયાએ અને આભારવિધિ ચેમ્બરના ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયાએ કરેલ. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ચેમ્બરના ઓફીસ બેરર્સ, મેનેજીંગ કમિટીના સભ્યો અને વિશાળ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહેલ
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
