News of Saturday, 23rd May 2026
સિહોર પાસે સરમાં ભક્તમાળ કથાનો અવિરત પ્રવાહ : સર્વોત્તમ ડેરી કર્મચારી પરિવારના આયોજનમાં ઉમટતા ભાવિકો
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એકમ પર ધૂન-સંકીર્તન અને આરતી પૂજન સાથે ભક્તિમય માહોલ : અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ લેતા ધર્મલાભ

ઈશ્વરિયા: સિહોર પાસે આવેલા સરમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાયો છે. અહીં ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત સર્વોત્તમ ડેરી કર્મચારી પરિવાર દ્વારા એક અનોખા ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરમાં આવેલા ડેરીના એકમ પર નાભાદાસજી કૃત ભક્તમાળ કથા ચાલી રહી છે, જેમાં આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધર્મલાભ મેળવી રહ્યા છે.
આ ધાર્મિક મહોત્સવમાં વક્તા હિતેશદાદા ભટ્ટ પોતાની આગવી શૈલીમાં નાભાદાસજી કૃત ભક્તમાળ કથાનું સુંદર રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન દરરોજ યોજાતા ધૂન-સંકીર્તન, પ્રભુ સ્મરણ અને આરતી પૂજન જેવા ધાર્મિક ઉત્સવોમાં સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું છે. શ્રોતાઓ પરમ આસ્થા અને ઉમંગ સાથે આ ભક્તિમય પ્રવૃત્તિઓમાં જોડાઈને ધન્યતા અનુભવી રહ્યા છે.
સર્વોત્તમ કર્મચારી પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય કથા જ્ઞાનયજ્ઞ ગત રવિવારથી શરૂ થયો છે, જે આગામી શનિવાર સુધી અવિરતપણે ચાલશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંઘના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોત તથા વડા હરિભાઈ જોષીના સક્ષમ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કર્મચારી પરિવારે ભારે જહેમત ઉઠાવી છે. કર્મચારીઓના ઉત્કૃષ્ટ સંકલન અને સેવાભાવના કારણે કથામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કથા મહોત્સવમાં માત્ર સ્થાનિક ભક્તો જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સામાજિક મહાનુભાવો અને સહકારી ક્ષેત્રના આગેવાનો પણ ખાસ હાજરી આપી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ઉમટતા શ્રોતાઓના કારણે સરમાં આવેલું સર્વોત્તમ ડેરીનું આ એકમ હાલમાં એક પવિત્ર તીર્થધામ સમાન ભાસી રહ્યું છે, જ્યાં દૂધની સરવાણી સાથે ભક્તિની ગંગા પણ વહી રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
